ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, માર્ચ મહિનામાં આ શહેરોમાં કમોસમી વરસાદની આગાહી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠાનો ભય ઊભો થયો
- ખેડૂતોની ચાર મહિનાની મહેનત માથે પડવાનો ભય ઉભો થયો
- કમોસમી વરસાદ બાદ લઘુતમ તાપમાન 6થી 7 ડિગ્રી ગગડશે
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી ખેડૂતોની ચિંતા વધી છે. જેમાં 1 થી 3 માર્ચ દરમિયાન હળવા વરસાદની આગાહી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: ભારતના વ્યવસાયિકોને હવે સરળતાથી વિદેશની વર્ક પરમિટ મળશે, જાણો કયા દેશમાં જઇ શકાશે
ખેડૂતોની ચાર મહિનાની મહેનત માથે પડવાનો ભય ઉભો થયો
1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. ગયા વર્ષે શિયાળાના અંતમાં થયેલ માવઠાને કારણે થયેલ નુકસાનીનો માર હજુ સુધી ખેડૂતો વેઠી રહ્યા છે અને હવે ફરીથી તે જ સમયે કુદરતે કરવટ બદલતાં લોકો ચિંતાતુર થયા છે. જો માવઠું થશે તો સૌથી વધુ ઘઉંના તૈયાર પાકને નુકસાન થવાનો ભય વ્યકત કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આ શિયાળામાં 3.69 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. ખેડૂતો ઘઉં લેવાની તૈયારીઓ જ કરી રહ્યા છે અને હવામાનમાં પલટો આવતાં જો કમોસમી વરસાદ થશે તો ખેડૂતોની ચાર મહિનાની મહેનત માથે પડવાનો ભય ઉભો થયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠાનો ભય ઊભો થયો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠાનો ભય ઊભો થયો છેલ્લા કેટલાક સમયથી સતત હવામાનમાં પલટો આવ્યા છે. દરમિયાન માર્ચ મહિનાના પ્રારંભે જ ખૂબ જ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની સાથે ગુજરાતના વાતાવરણને અસ્થિર કરશે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ તેની સીધી અસર થશે અને તા.1 માર્ચે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. એક તરફ ઉનાળાની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે જ હવામાન વિભાગની આગાહીએ ચિંતા વધારી દીધી છે.
કમોસમી વરસાદ બાદ લઘુતમ તાપમાન 6થી 7 ડિગ્રી ગગડશે
ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાન ઉચકાયુ છે. ડીસાનું લઘુત્તમ તાપમાન 12.2ડિગ્રી નોંધાયા બાદ સોમવારે અને મંગળવાર પારો 16 ડિગ્રીની આસપાસ રહ્યો છે. હજુ બે દિવસ લઘુત્તમ તાપમાન ઉચકાશે અને જો 1 માર્ચે કમોસમી વરસાદ થશે તો ફરીથી તાપમાન 6થી 7 ડિગ્રી ગગડશે. તા.2થી 4 માર્ચ સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતાને પગલે ફરીથી કડકડતી ઠંડી પડી શકે છે.