રાજસ્થાન : અલવરની ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી સાથે વોર્ડ બોયનું દૂષ્કર્મ
અલવર, 27 ફેબ્રુઆરી : રાજસ્થાનના અલવર શહેરની એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ મહિલા દર્દી પર વોર્ડ બોય દ્વારા કથિત બળાત્કારનો એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની માહિતી મળતા જ શિવાજી પાર્ક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી વોર્ડ બોયને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના મંગળવારે સવારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, હરીશ હોસ્પિટલના ICUમાં દાખલ પીડિત મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તેમને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે અને અન્ય ફોન નંબરો દ્વારા પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હોસ્પિટલમાં મહિલા દર્દી સાથે જે થયું તે ઘણું ખોટું છે. જો આવી જ કામગીરી આ હોસ્પિટલોમાં થશે તો અહીં સારવાર માટે કોણ આવશે?
દરમિયાન શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના પ્રભારી રાજપાલ ચૌધરીએ જણાવ્યું કે સોમવારે સાંજે એક મહિલા દર્દીને સારવાર માટે હરીશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલાએ વોર્ડ બોય ચિરાગ યાદવ પર રેપનો આરોપ લગાવ્યો છે. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આરોપી ચિરાગ આઈસીયુ વોર્ડમાં પડદો નાખતો જોવા મળે છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે તેમજ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ત્યારે હરીશ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી પર બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ સીસીટીવી ફૂટેજ મીડિયાને આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. તેમજ હોસ્પિટલ ઈન્ચાર્જ લેવ્સ ગુપ્તાએ જણાવ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વોર્ડ બોયને પોલીસે કસ્ટડીમાં લીધો છે. આ મામલે કંઈ કહી શકાય તેમ નથી.