મહા મહિનાની સંકષ્ટી ચતુર્થી કેમ છે ખાસ? આ રીતે કરો ગણેશજીને પ્રસન્ન
- મહા માસની વદ ચતુર્થીને દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ વ્રત કરવાથી ભગવાન ગણેશ અને ચંદ્રમાને સમર્પિત છે.
હિંદુ ધર્મમાં ચોથનું ખૂબ જ મહત્ત્વ છે. સંકષ્ટી ચતુર્થીનો પર્વ વદની ચતુર્થીએ ઉજવવામાં આવે છે. મહા માસની વદ ચતુર્થીને દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ વ્રત કરવાથી ભગવાન ગણેશ અને ચંદ્રમાને સમર્પિત છે. દ્રિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ, વિધ્નોનો નાશ અને મનોકામનાઓની પૂર્તિ તેમજ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખૂલે છે. આ સાથે જીવનની તમામ પરેશાનીઓથી છુટકારો મળે છે.
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી 2024 શુભ મુહૂર્ત
મહા મહિનાની ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. મહા મહિનાની વદ પક્ષની ચતુર્થી 28 ફેબ્રુઆરીના રોજ સવારે 1:53 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 29મી ફેબ્રુઆરીના રોજ સવારે 4:18 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે, આ દિવસે બુધવાર છે. બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. સંકષ્ટી ચતુર્થી અને બુધવારનો સંયોગ છે, આ દિવસે બાપ્પાના છઠ્ઠા સ્વરૂપ દ્વિજપ્રિય ગણેશની પૂજા કરવાની પરંપરા છે.
દાન કરવાથી જીવનમાં થશે પ્રગતિ
દાનનો અર્થ એ નથી કે તમે માત્ર મનુષ્યોને જ દાન કરો, પરંતુ દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીના દિવસે પશુ-પક્ષીઓને પણ દાન કરી શકાય છે. તમે કોઈપણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ, ફળ, કપડાં, પિત્તળ અથવા સ્ટીલના વાસણોનું દાન પણ કરી શકો છો. સાથે જ કૂતરા, ગાય, બકરી વગેરે પ્રાણીઓને ઘી કે ગોળની સાથે રોટલી, ચારો, ઘાસ, દૂધ જેવી વસ્તુઓ પણ આપી શકાય છે. સાથે જ પક્ષીઓને માટે બાજરી અને ચોખા જેવા અનાજ પણ ખવડાવી શકાય છે.
સંકષ્ટી ચતુર્થીની પૂજન વિધિ
આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. ત્યારબાદ પૂજા સ્થાન પર ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન ગણેશને તિલક લગાવો, દૂર્વા, જળ, ચોખા અને જનોઈ અર્પણ કરો. ગણેશજીને મોદકનો ભોગ લગાવો. આ દિવસે તલમાંથી બનેલી વસ્તુનો ભોગ ધરાવો. ધૂપ-દીપ કરીને ભગવાન ગણેશજીના મંત્રનો જાપ કરો. સંકટ ચોથની કથા પણ વાંચો. ગણેશજીના 12 નામના ઉચ્ચારણ પણ કરો. સાંજે પણ આ રીતે ભગવાનની પૂજા કરો. ભગવાન ગણેશજીની પૂજા કરતી વખતે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોં રાખીને બેસો. પૂજાના અંતમાં ભગવાન ગણેશ સહિત તમામ દેવી દેવતાઓની આરતી કરો. પૂજા સમાપ્ત થયા બાદ પ્રસાદ વહેંચો.
આ પણ વાંચોઃ ઉદય થયાના 90 દિવસ બાદ ફરી વખત કમાલ કરશે શનિ દેવઃ આ રાશિ માટે વરદાન