રાજ્યસભાની ચૂંટણી વચ્ચે SP પાર્ટીમાં ઘમાસાણ, ચીફ વ્હીપ મનોજ પાંડેએ આપ્યું રાજીનામું
લખનૌ (ઉત્તર પ્રદેશ), 27 ફેબ્રુઆરી: યુપીમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના નજીકના નેતા મનોજ પાંડેએ રાજીનામું આપી દીધું છે. મનોજ પાંડેએ વ્હીપ પદેથી રાજીનામું ધર્યું છે. માનવામાં આવે છે કે મનોજ હવે ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે. સપા નેતા અખિલેશ યાદવને લખેલા પત્રમાં મનોજે કહ્યું – હું જણાવવા માંગુ છું કે તમે મને સપા ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચીફ વ્હીપ તરીકે નિમણૂક કરી હતી. જો કે, હું ચીફ વ્હીપ પદેથી રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો.
આ દરમિયાન દાવો કરવામાં આવે છે કે મનોજ પાંડેએ સીએમ યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી. દયા શંકર સિંહ મનોજ પાંડેના ઘરે પહોંચ્યા. સૂત્રોનો દાવો છે કે દયાશંકર તેમને મત આપવા માટે પોતાની સાથે લઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દયા શંકરે મનોજ પાંડેને સીએમ યોગી સાથે ફોન પર વાત કરવા માટે કરાવ્યા હતા.
મહત્ત્વનું છે કે, રાજ્યસભાની 15 બેઠકો પર આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 3 રાજ્યો ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં મતદાન થઈ રહ્યું છે. સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પરિણામો રાત્રે અપેક્ષિત છે. ઉત્તર પ્રદેશમાં 10, કર્ણાટકમાં 4 અને હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર ચૂંટણી છે. ત્રણેય રાજ્યોમાં ક્રોસ વોટિંગની શક્યતા છે. કારણ છે- 15 બેઠકો માટે 18 ઉમેદવારો મેદાનમાં છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના 8 ધારાસભ્યો પર સસ્પેન્સ છે. 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે, જેમાંથી 12 રાજ્યોમાં 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.
આ પણ વાંચો: રાજ્યસભાની 15 બેઠકો પર આજે ચૂંટણી, ક્રોસ વોટિંગ અંગે સસ્પેન્સ