અમદાવાદગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને હર્ષ સંઘવીના હસ્તે ‘ખેલપ્રતિભા પુરસ્કાર’ એનાયત

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2024, રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને આજે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘ખેલપ્રતિભા પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા. આ 44 ખેલાડીઓને રૂ. 1.38 કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતનું ભવિષ્ય રમત ગમત ક્ષેત્રે ખૂબ ઉજ્જવળ છે. ગુજરાતના ખેલપ્રેમી યુવાઓ પુરુષાર્થ કરે, કેપેબિલિટી પ્રમાણે પ્રત્યેક ખેલાડીઓને સંપૂર્ણ મદદ કરવા રાજ્ય સરકાર તત્પર છે.

અનેક ખેલાડીઓ નેશનલ એવોર્ડ વિજેતાની યાદીમાં આવ્યા
રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલપ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપ સૌ ખેલાડીઓએ ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. રમતવીરોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને રમતગમત ક્ષેત્રે અલગ અલગ લેવલ પર આગળ વધી શકે તે પ્રકારે આયોજન કરી ઈન સ્કૂલ અને DLSS તથા શક્તિ દુત યોજના થકી રાજ્યના ખેલાડીઓને તમામ જરૂરી સુવિધાઓ અને તાલીમ પૂરી પાડવામાં આવે છે. ખેલાડીઓની મહેનત અને રાજ્ય સરકારના સપોર્ટ થકી અનેક ખેલાડીઓ નેશનલ એવોર્ડ વિજેતાની યાદીમાં આવ્યા છે.

રાજ્ય સરકારે મહત્વાંકાક્ષી યોજનાઓ અમલમાં મુકી
રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના ખેલપ્રેમી યુવક-યુવતીઓ રમતગમત ક્ષેત્રે વધુને વધુ આગળ વધે તે હેતુસર તેમને વિવિધ રમતોની તાલીમ, માર્ગદર્શન અને માળખાકિય સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરીણામે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના રમતવીરોએ દેશ-વિદેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ગુજરાત માટે અનેક ચંદ્રકો મેળવ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ખેલપ્રવૃત્તિને પ્રોત્સાહક અને વધુ પરિણામલક્ષી બનાવવા માટે મહત્વાંકાક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. તે પૈકી વર્ષ : 2014-15થી રાજ્યના રમતવીરોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવા “ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના” અને વર્ષ : 2016-17થી “દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના” અમલમાં છે.

44 ખેલાડીઓને અપાયેલ પુરસ્કારની વિગત
આજે રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી કુલ 44 ખેલાડીઓને કુલ રૂ.1,38,20,000/-ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં એશિયન ચેમ્પિયનશીપ જેવી સ્પર્ધામાં મેડલ વિજેતા માનવ ઠક્કર (ટેબલ ટેનીસ) ને રૂ.23,20,000/, હરમીત દેસાઈ (ટેબલ ટેનીસ) રૂ.23,20,000/ કુ.શાહીન દરજાદા (જુડો) રૂ.15,00,000/, કુ.નીરવી હેક્કડ (ટેકવોન્ડો) રૂ.10,00,000/- અને મિહિર નલિયાપરા (ટેકવોન્ડો) રૂ.10,00,000/- સહીત એસોસીએશન ધ્વારા રમાતી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓ, એસ.જી.એફ.આઈ સ્પર્ધા અને ખેલો ઇન્ડિયા સ્પર્ધાના વિજેતા એવા કુલ 44 ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃગુજરાત સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, ઘઉં, બાજરી,જુવાર અને મકાઈની ખરીદી કરાશે

Back to top button