ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2024, વોટ્સએપ પર લોભામણી ઓફર દ્વારા ઠગાઈના અનેક કિસ્સા સામે આવે છે છતાં પણ લોકોની આંખો ખુલતી નથી અને છેતરાઈ જતાં હોય છે. મોબાઈલમાં ટાસ્ક પૂરુ કરવાના ચક્કરમાં ગાંધીનગરના એક શખ્સને 11 લાખથી વધુનો ચૂનો લાગ્યો છે. ગાંધીનગરમાં રહેતા તેલંગાણાના એક વ્યક્તિ સાથે ગત માર્ચ મહિનામાં મની ફોર ટાસ્ક ફ્રોડમાં 11.39 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ અંગે શનિવારે ગાંધીનગર રેન્જની સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સારા વળતરનું વચન આપવામાં આવ્યું હતું
ફરિયાદી 37 વર્ષીય સુરેશ અંકમ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે 13 માર્ચ 2023ના રોજ ગૂગલ મેપ્સની સમીક્ષા કરીને પૈસા કમાવવા અંગેનો વોટ્સએપ મેસેજ મળ્યો હતો. તેમને દરેક કાર્ય પૂર્ણ કરવા માટે 50 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. અંકમે છ ટાસ્ક પૂરા કર્યા અને તેના માટે 300 રૂપિયા મેળવ્યા.પાછળથી તેને એક પ્રીપેઇડ કાર્ય પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના માટે તેણે નોંધણી કરવા માટે પહેલા પૈસા ચૂકવવાના હતા. આ કાર્ય પૂર્ણ થતાં તેમને સારા વળતરનું વચન આપવામાં આવ્યું હતું.
સાયબર ક્રાઈમે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી
અંકમે 13 માર્ચથી 17 માર્ચ, 2023 ની વચ્ચે 20 ટ્રાન્ઝેક્શનમાં 11.39 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે તેને કોઈ વળતર મળ્યું નહીં અને તેના બદલે તેને વધુ પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે તેને સમજાયું કે તેની સાથે છેતરપિંડી થઈ ગઈ છે અને તરત તેણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. આશરે એક વર્ષ બાદ સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા શખ્સો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચોઃમુંદ્રા પોર્ટ પર કસ્ટમના બે અધિકારીઓ એક લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા