ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંદેશખલી કેસમાં હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી, શાહજહાંની ધરપકડનો આપ્યો આદેશ

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 26 ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળના સંદેશખલીના TMC નેતા વિરુદ્ધ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે ફરી એકવાર કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જી સરકારને શાહજહાં શેખની ધરપકડ મુદ્દે ફટકાર લગાવી છે. તેમજ હાઈકોર્ટે વહેલી તકે TMC નેતા શાહજહાં શેખની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય, સુનાવણી દરમિયાન વકીલે હાઈકોર્ટને સંદેશખલીની તપાસ માટે સ્વતંત્ર સમિતિની રચના કરવા અપીલ કરી છે.

હાઈકોર્ટે કહ્યું- શાહજહાં શેખની ધરપકડ થવી જોઈએ

કોલકાતા હાઈકોર્ટે સંદેશખલી કેસમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા કહ્યું કે એસકે શાહજહાં સામે પોલીસ કાર્યવાહી પર કેમ રોક લાગુ છે, કોર્ટે કહ્યું કે શાહજહાં શેખ વિરુદ્ધ પહેલેથી ગુનો નોંધાયેલો છે અને તે સંદેશખલી કાંડમાં મુખ્ય આરોપી છે, તેથી તેની વહેલી તકે ધરપકડ થવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે, આ એક ખોટી ધારણા ઊભી કરાઈ છે કે, શાહજહાં શેખની ધરપકડ પર રોક લગાવવા માટે વચગાળાનો આદેશ અપાયો છે. જો કે, કોર્ટે આવો કોઈ સ્ટે લાદ્યો નથી, તેથી તેની ધરપકડ થવી જોઈએ. આ ઉપરાંત હાઈકોર્ટે પોલીસ કાર્યવાહીને મુદ્દે પણ સવાલ કર્યા કે, આ વિસ્તારના ઘટનાઓ રાજ્ય પોલીસે 4 વર્ષે પહેલા નોંધી છે અને કેસને 42 આરોપત્રમાં કન્વર્ટ કરવામાં કેવી રીતે 4 વર્ષ લાગી ગયા.

શાહજહાંની 7 દિવસની અંદર ધરપકડ થશે: TMC પ્રવક્તા

કોર્ટની ઝાટકણીના કલાકો બાદ TMCના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે શાહજહાં શેખની 7 દિવસમાં ધરપકડ કરવામાં આવશે. TMC નેતા શેખ અને તેના બે સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર સંદેશખલીમાં મહિલાઓ પર સામૂહિક બળાત્કારનો આરોપ છે. પોલીસે અત્યાર સુધીમાં શિબુ હઝરા અને ઉત્તમ સરદાર સહિત 18 લોકોની ધરપકડ કરી છે, જ્યારે શાહજહાં હજુ પણ ફરાર છે. મહત્ત્વનું છે કે, શાહજહાં શેખ TMCના જિલ્લા સ્તરના નેતા છે. રાશન કૌભાંડમાં EDએ 5 જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ શાહજહાંના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજહાં શેખ ફરાર છે. જોકે સંદેશખલીના લોકોનું કહેવું છે કે તે ક્યાંય ગયો નથી, તે અહીં જ છે.

આ પણ વાંચો: સંદેશખલીમાં ફરી હિંસા ભડકી, સ્થાનિકોએ શાહજહાં શેખની મિલકતમાં આગ ચાંપી

Back to top button