ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

મહેમદાવાદ રેલવે સ્ટેશનનો 28 કરોડના ખર્ચે પુન:વિકાસ કરાશે

  • કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં મહેમદાવાદ રેલવે સ્ટેશન પુન:વિકાસનો કાર્યક્રમ યોજાયો
  • મહેમદાવાદ રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે

નડિયાદ, 26 ફેબ્રુઆરી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 26 ફેબ્રુઆરી 2024ના રોજ વિડિયો કોન્ફ્રેન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યના રેલવેના 2000 માળખાગત પ્રોજેકટ્સનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ તેમજ 1500 રોડ ઓવરબ્રિજ/ અંડરપાસનુ લોકાર્પણ, શિલાન્યાસ કરવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની ગરીમામય ઉપસ્થિતિમાં મહેમદાવાદ રેલવે સ્ટેશન ખાતે રેલવે પુન:વિકાસ માટેનો કાર્યક્રમ યોજાયો હતો.

મહેમદાવાદ રેલવે સ્ટેશનને મળશે વિશ્વ કક્ષાની સુવિધાઓ

ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં 8 રેલવે અંડરબ્રિજ, મહેમદાવાદ રેલવે સ્ટેશન પુન:વિકાસ અને ઓવરબ્રિજ સહિત વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવશે. જે અંતર્ગત મહેમદાવાદ રેલવે સ્ટેશનનું રૂ. 28.362 કરોડના ખર્ચે પુન:વિકાસ કરવામાં આવશે. જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ, લીફ્ટ્સ, એકસેલેટર, એક્ઝિક્યુટિવ લાઉન્જ, વેઇટિંગ એરીયા અને દિવ્યાંગજનો માટે વિશેષ કાળજી સહિતની વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું કે, ‘કોઈ પણ દેશની પ્રગતિનો આધાર પરિવહનની કનેક્ટિવિટી પર રહેલો છે. ત્યારે ભારતમાં રેલવે કનેક્ટિવિટી દેશના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે.’ મંત્રીએ કહ્યું કે, ‘છેલ્લા 10 વર્ષોમાં 25,500 કિ.મી.ની રેલવે લાઈન નાખવામાં આવી છે. આજે દેશમાં 98% રેલ ઈલેક્ટ્રીફીકેશન કરવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનના ઝડપી નિર્માણથી મુસાફરી સુવિધાયુક્ત બની છે, આ સાથે જ ઝડપી રેલવે ગૂડ્સ પરિવહન દ્વારા મુસાફરી સમય અને ઇંધણની બચત થઈ છે.’

મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા મહેમદાવાદ રેલવે પુન:વિકાસના કામ માટે તમામ શહેરીજનોને શુભકામનાઓ પાઠવી હતી. ડીવીઝનલ રેલવે મેનેજર જીતેન્દ્રસિંહે રેલવે વિભાગ માટે આજના દિવસને ખૂબ જ મહત્વનો ગણાવી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે દેશ ભક્તિના બોધ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હાથે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે “અમૃત ભારત સ્ટેશન” યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેશનોને ‘અમૃત સ્ટેશન’ તરીકે વિકસિત કરીને, તેમની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને સગવડોમાં તેમજ યાત્રીઓને સલામત, આરામદાયક અને નૈસર્ગિક મુસાફરીનો તદ્દન નવો અનુભવ પ્રદાન કરવા તથા સેવાઓમાં વૃદ્ધિ કરવાનો છે.

આ કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, ડીવીઝનલ રેલવે મેનેજર જીતેન્દ્રસિંહ, ખેડા જિલ્લા કલેક્ટર અમીત પ્રકાશ યાદવ સહિતના મહાનુભાવો, રેલવેના અધિકારીઓ, શહેરના અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, ઘઉં, બાજરી,જુવાર અને મકાઈની ખરીદી કરાશે

Back to top button