અંજારમાં ટ્રાન્સપોર્ટના ટ્રેઇલરે સ્કૂલ બસને ટક્કર મારી, 10 બાળકો ઈજાગ્રસ્ત
ભુજ, 26 ફેબ્રુઆરી 2024, અંજારમાં આજે વહેલી સવારે એક સ્કૂલ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજા પહોંચી છે. જેમાંથી 5 બાળકોને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અંજાર પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
ઈજાગ્રસ્તોને ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અંજારમાં વહેલી સવારે સ્કૂલ બસ બાળકોને લઇને જઇ રહી હતી તે દરમિયાન સતાપર ફાટક પાસેના દબડા નજીક ટ્રાન્સપોર્ટના ટ્રેઇલર ચાલકે સ્કૂલ બસને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે બસના કાચ તૂટી ગયા હતા. આ અકસ્માતમાં સ્કૂલના 10 બાળકો અને ડ્રાયવર-કંડક્ટરને પણ ઈજાઓ પહોંચી હતી. પાંચ બાળકોને વધુ ઇજા પહોંચતા તેમને ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના જે બાળકો સ્વસ્થ છે તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અગાઉ સુરતની સ્કૂલ બસને પણ અકસ્માત નડ્યો હતો
અગાઉ સુરતની SVNITના વિધાર્થીઓને ધરમપુરના ખોબા ગામ ખાતે લઈ જતી સ્કૂલ બસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સાદલવેરા ગામ પાસે અચાનક પલટી ગઈ હતી. આ ઘટનામાં પણ 10થી વધુ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચોઃસુરતમાં નંબર વગરની કારનો વીડિયો લેતા વકીલ મેહુલ બોઘરાને પોલીસે ફટકાર્યા