અમેરિકા વિશ્વને ખતરનાક રોગોમાં વધારો કરતાં ચોખા ખવડાવી રહ્યું હોવાનો રિસર્ચમાં ખુલાસો
- હૈતીમાં મોકલવામાં આવેલા અમેરિકન ચોખાના કન્સાઈનમેન્ટમાં આર્સેનિક અને કૈડમિયમનું ખતરનાક સ્તર મળી આવ્યું
અમેરિકા, 25 ફેબ્રુઆરી: ભારતે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારથી અન્ય દેશો વધુ ચોખાની નિકાસ કરી રહ્યા છે. જેના કારણે અમેરિકામાં ચોખાનો વપરાશ વધ્યો છે. જો કે, એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે, અમેરિકાથી નિકાસ કરાયેલા ચોખામાં વધુ માત્રામાં આર્સેનિક મળી આવ્યું છે. આ ઉપરાંત તેમાં કૈડમિયમ અને અન્ય ભારે ધાતુઓ પણ મળી આવી છે. આ ઝેરી રસાયણો માનવ શરીરમાં કેન્સર અને હૃદય સંબંધિત રોગોનું જોખમ અનેકગણું વધારી શકે છે. આ ખુલાસો ગરીબ કેરેબિયન રાષ્ટ્ર એવા હૈતીમાં મોકલવામાં આવેલા અમેરિકન ચોખાના કન્સાઈનમેન્ટ પરથી મિશિગન યુનિવર્સિટીની એક સંશોધન ટીમે કર્યો છે.
ભારે અછત વચ્ચે હૈતી અમેરિકાથી ચોખાની આયાત કરી રહ્યું છે. વિશ્વમાં ચોખાની નિકાસમાં ભારતનો ફાળો સૌથી વધુ છે. પરંતુ, સ્થાનિક માંગને ધ્યાનમાં રાખીને, ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખાનો નિકાસકાર દેશ છે, પરંતુ ભારતે જુલાઈ 2023માં બિન-બાસમતી અને ટુકડી સફેદ ચોખા પર પ્રતિબંધ મૂક્યો હતો અને 20 ટકા ડ્યૂટી સાથે માત્ર બાફેલા ચોખાના શિપમેન્ટને મંજૂરી આપી હતી. બાસમતી ચોખાની લઘુતમ નિકાસ કિંમત પણ પ્રતિ ટન 950 ડોલર છે, જેની નીચે કોઈ કરાર રજીસ્ટર થઈ શકતો નથી.
ચોખામાંથી આર્સેનિક અને કૈડમિયમનું ખતરનાક સ્તર મળી આવ્યું
અભ્યાસ મુજબ, હૈતીમાં ઉગાડવામાં આવતા ઉત્પાદન કરતાં આયાતી ચોખામાં સરેરાશ આર્સેનિક અને કૈડમિયમ સાંદ્રતા લગભગ બમણી હતી, જેમાં કેટલાક આયાતી નમૂનાઓ આંતરરાષ્ટ્રીય મર્યાદાને ઓળંગી ગયા હતા. લગભગ તમામ આયાતી ચોખાના નમૂનાઓમાં બાળકોના વપરાશ માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ભલામણ કરતાં પ્રમાણ વધી ગયું છે. અભ્યાસમાં અન્ય આયાત કરતા દેશોમાં ઝેરના સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. યુએસ એફડીએ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે હજુ સુધી આ ઘટસ્ફોટ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.
અમેરિકા કયા દેશને સૌથી વધુ ચોખા વેચે છે?
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હૈતી તેના લગભગ 90% ચોખાની આયાત કરે છે. આ આયાતમાં સૌથી વધુ હિસ્સો અમેરિકાનો છે. હૈતીમાં રાજકીય અશાંતિ અને હિંસાને ધ્યાનમાં રાખીને યુએસએ 1980 અને 1990ના દાયકાના અંતમાં ચોખા પર સબસિડીની જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટને તેમના કાર્યકાળ દરમિયાન હૈતીને યુએસ ચોખાની સબસિડી વધારવામાં મદદ કરી હતી. પરંતુ, બાદમાં તેમણે તેમની સરકારના આ પગલાને ભૂલ ગણાવી હતી.
આ પણ જુઓ: ન્યૂયોર્કમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એક ભારતીય પત્રકારનું મૃત્યુ