ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ સાથે લંચ લેનાર બસપા સાંસદ રિતેશ પાંડે બસપા છોડી ભાજપમાં જોડાયા

  • PM મોદી સાથે સંસદના બજેટ સત્ર દરમિયાન સંસદ ભવનની કેન્ટીનમાં રિતેશ પાંડેએ પણ લંચ લીધું હતું

લખનૌ, 25 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના આંબેડકર નગરથી બહુજન સમાજ પાર્ટી (BSP)ના લોકસભા સાંસદ રિતેશ પાંડેએ આ વર્ષે બજેટ સત્ર દરમિયાન સંસદ ભવનની કેન્ટીનમાં પીએમ મોદી સાથે લંચ કર્યું હતું. હવે આજે સાંસદ રિતેશ પાંડેએ BSP(બહુજન સમાજ પાર્ટી)ના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામાના થોડા સમય બાદ તેઓ ભાજપમાં જોડાયા છે. રિતેશ પાંડે પણ એ નવ સાંસદોમાં સામેલ હતા જેમની સાથે વડાપ્રધાન મોદીએ સંસદના બજેટ સત્ર દરમિયાન સંસદ ભવનની કેન્ટીનમાં લંચ લીધું હતું.

 

રાજીનામામાં લખી પોતાની ફરિયાદો

રિતેશ પાંડેના ભાજપમાં જોડાયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ તેમને આંબેડકર નગરથી સાંસદની ટિકિટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, રિતેશ પાંડે એક રાજકીય પરિવારમાંથી આવે છે અને તેમના પિતા રાકેશ પાંડે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. રિતેશ પાંડેએ BSP સુપ્રીમો માયાવતીને મોકલેલા તેમના રાજીનામાની કોપી પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં રિતેશ પાંડેએ બીજા ફકરામાં લખ્યું છે કે, “લાંબા સમયથી મને પાર્ટીની મીટિંગમાં ન તો આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ન તો નેતૃત્વના સ્તરે વાતચીત કરવામાં આવી રહી હતી. મેં મીટિંગ માટે કહ્યું હતું તેમજ તમારો(સુપ્રીમો માયાવતી) અને ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કર્યો હતો. અનેક પ્રયત્નો કર્યા પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં.આ સમય દરમિયાન હું મારા વિસ્તારના લોકો અને પક્ષના કાર્યકરોને સતત મળતો રહ્યો. ત્યારબાદ હું એ નિષ્કર્ષ પર આવ્યો છું કે પાર્ટીને હવે મારી સેવા અને હાજરીની જરૂર નથી, તેથી મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આ કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી. પાર્ટીથી અલગ થવાનો નિર્ણય એ ભાવનાત્મક રીતે મુશ્કેલ છે. કોઈપણ વિલંબ કર્યા વિના મારું રાજીનામું સ્વીકારવા આપને વિનંતી છે. હું ફરી એકવાર તમારો અને પક્ષનો આભાર વ્યક્ત કરું છું અને મારી શુભેચ્છા પાઠવું છું.”

 

રાજીનામું આવતાની સાથે જ માયાવતીએ આપી હતી પ્રતિક્રિયા

સાંસદ રિતેશ પાંડેએ રાજીનામું આપતાની સાથે જ પાર્ટી સુપ્રીમો માયાવતીએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર સીધો પ્રહાર કર્યો હતો. માયાવતીએ તેમના સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું કે, “ બસપા રાજકીય પક્ષની સાથે-સાથે, પરમ આદરણીય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના આત્મસન્માન અને સ્વાભિમાનના મિશનને સમર્પિત છે, જેના કારણે આ પક્ષની નીતિ અને કાર્યશૈલી અલગ છે. દેશની મૂડીવાદી પાર્ટીઓએ આને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં પાર્ટીની તાકાત નક્કી કરી છે. પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારે છે. હવે BSP સાંસદોએ આ માપદંડને પૂર્ણ કરવો પડશે અને પોતાની જાતને પણ તપાસવી પડશે કે શું તેઓએ તેમના વિસ્તારના લોકોની યોગ્ય કાળજી લીધી છે? શું તેઓએ તેમના વિસ્તાર માટે પૂરો સમય ફાળવ્યો? તેમજ, શું તેમણે પક્ષ અને આંદોલનના હિતમાં સમયાંતરે આપવામાં આવેલી માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કર્યું છે?

માયાવતીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, “શું આવી સ્થિતિમાં મોટાભાગના લોકસભા સાંસદોને ટિકિટ આપવી શક્ય છે, ખાસ કરીને જ્યારે તેઓ પોતાના હિત માટે અહીં-ત્યાં ભટકતા જોવા મળે છે અને નકારાત્મક ચર્ચામાં રહે છે. મીડિયા બધું જાણતી હોવા છતાં તેને પાર્ટીની નબળાઈ તરીકે જાહેર કરવું અયોગ્ય છે. બસપા પાર્ટીનું હિત સર્વોપરી છે.”

આ પણ જુઓ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે, રૂ.758 કરોડના વિકાસ કામોની આપશે ભેટ

Back to top button