CM ભૂપેન્દ્ર પટેલ બનશે સ્ટાર પ્રચારક, 26 અને 27 ફેબ્રુઆરીએ તેલંગાણામાં પ્રચાર કરશે
અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2024, દેશમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભાજપે તેલંગાણામાં ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 26 અને 27 ફેબ્રુઆરી બે દિવસ માટે તેલંગાણામાં સ્ટાર પ્રચારક તરીકે ચૂંટણી પ્રચાર અર્થે જશે. તેલંગાણાના ભાગ્યલક્ષ્મી ક્લસ્ટર ખાતે મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ જનસભામાં સંબોધન સહિત ગુજરાતી સમાજ સાથે સંવાદ કરીને ભોજન લેશે. મુખ્યમંત્રી બે દિવસ સુધી તેલંગાણામાં પ્રચાર કરશે.
26 કાર્યાલયો શરૂ કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
ગુજરાતમાં ભાજપે એક સાથે 26 કાર્યાલયો શરૂ કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. બીજી તરફ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરી રહ્યાં છે. રાજ્યમાં ભાજપે કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખોને સરકારની નીતિઓ અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે સૂચના આપી દીધી છે. તે ઉપરાંત મુખ્યમંત્રી સહિતના કેબિનેટ મંત્રીઓને પણ વિકાસ કામોને લઈ પ્રચાર કરવા માટે આદેશ અપાયો હોવાનું ભાજપના સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે
લોકસભા ચૂંટણી જીતવા ભાજપે હવે નવી રણનીતિ બનાવી છે. 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે હારેલી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયુ છે. 2019માં હારેલી બેઠકો માટે ભાજપ ગયા વર્ષથી યોજનાઓ બનાવી રહ્યો છે. ભાજપે આવી 160 બેઠકો પર સતત નજર રાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં ભાજપ લોકસભા ચૂંટણી માટે 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
આ પણ વાંચોઃC.R.પાટીલે કહ્યું,આંધળા-બહેરાનું ગઠબંધન,જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશુંઃ ચૈતર વસાવા