મણિપુરની DM યુનિવર્સિટી કેમ્પસમાં બોમ્બ બ્લાસ્ટ થયો, એક વિદ્યાર્થીનું મૃત્યુ
ઇમ્ફાલ (મણિપુર), 24 ફેબ્રુઆરી: મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ડીએમ યુનિવર્સિટી કેમ્પસમાં શુક્રવારે રાત્રે થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ કેમ્પસની અંદર ઑલ મણિપુર સ્ટુડન્ટ્સ યુનિયન (AMSU) ઓફિસની દિવાલ પાસે થયો હતો. યુનિવર્સિટી કેમ્પસ નજીક એક શક્તિશાળી બોમ્બ, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસથી આ બ્લાસ્ટ થયો હતો. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
હજુ સુધી કોઈપણ સંગઠને વિસ્ફોટની જવાબદારી નથી લીધી
પોલીસે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે વિસ્ફોટ માટે કયું સંગઠન અથવા કોણ જવાબદાર છે. વિસ્ફોટ પછી, સુરક્ષા દળો તરત જ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ગુનેગારોને પકડવા માટે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. બોમ્બ વિસ્ફોટમાં ઓઈનામ કેનેગી અને સલામ માઈકલ નામના બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં કેનેગીનું મૃત્યુ થયું. અન્ય એક ઘટનામાં ગઈકાલે રાત્રે અહીંના તેરામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી
પોલીસે વધુ તજવીજ હાથ ધરી
હાલ ઘટનાસ્થળે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને પોલીસ ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી કેસની તપાસ શરૂ કરી છે. આ વિસ્ફોટને મણિપુરમાં ચાલી રહેલા જાતિ સંઘર્ષ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી કોઈ પક્ષે વિસ્ફોટની જવાબદારી લીધી નથી.