C.R.પાટીલે કહ્યું,આંધળા-બહેરાનું ગઠબંધન,જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશુંઃ ચૈતર વસાવા
અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામી રહ્યો છે. આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન સત્તાવાર રીતે નક્કી થઈ ગયું છે. જેમાં કોંગ્રેસ ગુજરાતમાં 24 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર ચૂંટણી લડશે. આ મુદ્દે ભાજપ અને AAP દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભાજપ પ્રમુખ પાટીલે આ ગઠબંધન મુદ્દે કહ્યું હતું કે, આંધળા-બહેરા દિવાસ્વપ્નમાં રાચે છે અમે આ વખતે હેટ્રીક કરીશું. જ્યારે ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ભરૂચ બેઠક જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું.
View this post on Instagram
કોઇ નારાજ છે. કોઇ નબળું છે તેની અમે ચિંતા નથી કરતા
ગઠબંધનના મુદ્દા પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ચૈતર વાસાવાને ભરૂચ સીટમાં માત્ર 13 ટકા મત મળ્યા હતા. લોકસભાની અગાઉની ચૂંટણીમાં સાતમાંથી ચાર બેઠક પર ડિપોઝિટ જમા થઇ હતી. ભરૂચ, ભાવનગરમાં જીતવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યાં બંને બેઠકો પર અમે મજબૂત છીએ. આંધળા અને બહેરા અહીં દીવાસ્વપ્નમાં રાચે છે. અમે આ વખતે પણ તમામ 26 બેઠકો જીતવાના છીએ અને હેટ્રિક કરીશું. કોંગ્રેસને પણ જીતની કોઇ શક્યતા લાગતી નથી. અમે અમારી તાકાત પર જ ચૂંટણી લડીએ છીએ. કોઇ નારાજ છે. કોઇ નબળું છે તેની અમે ચિંતા નથી કરતા.
ભરૂચ બેઠક જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું
ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અમે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડવાના છીએ. ગઠબંધન પર આજે મહોર વાગી ગઈ છે. કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખી તેમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું. ભરૂચ બેઠક પર કોંગ્રેસના અહેમદભાઈ પટેલ ખૂબ મજબૂત નેતા હતાં. અમે આ વખતે ભરૂચ બેઠક જીતીને તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરીશું.
મુમતાઝ પટેલે એક્સ પર પોસ્ટ કરીને બળાપો ઠાલવ્યો
બીજી તરફ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે એક્સ પર પોસ્ટ કરીને બળાપો ઠાલવ્યો હતો. મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને સમર્થકોની માફી માંગી છે, તેમણે લખ્યુ- “ભરૂચ બેઠક કોંગ્રેસના ફાળે ના આવતા હું કોંગ્રેસના કાર્યકરોની માફી માંગુ છું. ફરી એક વખત સાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવીશું. આપણે અહેમદ પટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં થવા દઇએ.”ફૈસલ પટેલે કહ્યું કે, “હું અને મારી પાર્ટીના કાર્યકર્તા આ નિર્ણયથી ખુશ નથી. અમે ઇચ્છતા હતા કે આ નિર્ણય ના થાય પરંતુ હાઇકમાન એવું ઇચ્છે છે અને અમે તેનું પાલન કરીશું. હું ફરી એક વખત પાર્ટી હાઇકમાન સાથે આ અંગે વાત કરીશ.