અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે પુરજોશથી પ્રચાર શરૂ કરી દીધો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સંગઠનમાં ફેરફાર કરવાની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ ગઠબંધનમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડીશું એ માટે કોંગ્રેસ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. જેમાં આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ 24 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચાર પર અને કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે.
મુમતાઝ પટેલનું પત્તુ કપાઈ ગયું
ભરૂચ બેઠક પર આ વખતે સૌની નજર હતી. કારણ કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતાં. ત્યાર બાદ ભાવનગર બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. હવે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ ગઠબંધનને સાથ આપશે કે નહીં તે જોવાનું રહ્યું કારણ કે હવે તેમનું પત્તુ કપાઈ ગયું છે.
ભાજપે મુમતાઝ પટેલને આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા
આ તરફ ભરૂચ બેઠકના રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે અહેમદ પટેલના પરિવારને ઓફર કરી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. હું માનું છું કે, ભરૂચ કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલ હતા. હવે જ્યારે તેઓ નથી રહ્યા તેમની પુત્રીને કોંગ્રેસે પ્રોજેક્ટ કરવો જોઈએ. પરંતુ કોંગ્રેસ નિશાન ચૂકી ગઈ છે. જો અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાષ્ટ્રીય વિચારધારા સાથે આવવા માંગે છે તો અમે તેમનું ભાજપમાં સ્વાગત કરીશું. હાલમાં ભરૂચ બેઠક પર ભાજપે વિરોધ પક્ષોના નેતાઓ માટે મંત્રણાના દરવાજા ખોલી દીધા છે.
આ પણ વાંચોઃભાજપ પર ઈશુદાને લગાવ્યો આરોપ, કહ્યું- ‘કેજરીવાલની ધરપકડની કોશિશ થઈ રહી છે’