ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Byju’sના શેરહોલ્ડર્સ કંપનીના CEOને બહાર કાઢવાની તૈયારીમાં, જાણો સમગ્ર મામલો

મુંબઈ (મહારાષ્ટ્ર), 24 ફેબ્રુઆરી: દેવાં તળિયે ડૂબેલી Byju’s કંપની ફરી સંકટમાં છે.CEO અને ફાઉન્ડર બાયજુ રવિન્દ્રનને પોતાની જ કંપનીમાંથી બહાર હાંકી કાઢવાની તૈયારી ચાલી રહી છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી કંપનીની શરૂઆત પાછળ અબજો ડૉલર ખર્ચ્યા અને ઊંચાઈઓ સુધી પહોંચાડી, તેના જ CEO બાયજુ રવિન્દ્રનને હવે કંપની શેરહોલ્ડર્સે બહાર નીકાળવાનો રસ્તો બતાવ્યો છે. એક મીટિંગ દરમિયાન, Investors Prosus, General અને પીક XV પાર્ટનર્સ સહિત બાયજુના મુખ્ય શેરધારકોએ કંપનીના સીઈઓ રવિન્દ્રન બાયજુ અને તેમના પરિવારને કંપનીના બોર્ડમાંથી હાંકી કાઢવા માટે મત આપ્યો હતો. આ પછી બહુચર્ચિત ઑનલાઈન ટ્યુટરિંગ સ્ટાર્ટઅપ કંપનીના ભવિષ્યને લઈને સંકટ વધી ગયું છે.

બાયજુએ પ્રસ્તાવને નકારી કાઢ્યો

કંપનીએ આ ઠરાવને ફગાવી દીધો છે. ‘બ્લૂમબર્ગ’ના રિપોર્ટ મુજબ, કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું – બાયજુએ તે પ્રસ્તાવોને નકારી કાઢ્યા જેમાં 2015માં સ્થાપિત કંપનીના બોર્ડમાંથી Byju’sના સ્થાપક અને સીઈઓ રવીન્દ્રનને હટાવવાની માંગ કરાઈ હતી. નિવેદન અનુસાર, આ દરમિયાન એક્સ્ટ્રઑર્ડિનરી જનરલ મીટિંગમાં પસંદગીના શેરધારકોના નાના જૂથે ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં કોઈપણ ઠરાવ પસાર કરવો અમાન્ય અને બિનઅસરકારક છે. પ્રોસુસના પ્રવક્તાએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જ્યારે પીકે આ અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અગાઉ શુક્રવારે એડટેક કંપની Byju’sના ચાર રોકાણકારોએ કંપનીના મેનેજમેન્ટ સામે ગેરવહીવટનો આરોપ લગાવતા નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)માં કેસ દાખલ કર્યો હતો. તેમણે કંપનીના સ્થાપક બાયજુ રવિન્દ્રનને કંપની ચલાવવાથી ગેરલાયક ઠેરવવાની માંગ કરી અને કહ્યું કે બાયજુનું ફોરેન્સિક ઓડિટ કરાવવું જોઈએ. આ સિવાય કંપનીમાં નવા બોર્ડની નિમણૂક કરવી જોઈએ અને રાઈટ્સ ઈશ્યુને રદબાતલ જાહેર કરવો જોઈએ.

સૌથી વધુ ખોટ કરતી કંપનીઓમાં Byju’s સામેલ

એડ-ટેક કંપની Byju’sને નાણાકીય વર્ષ 2022માં 8,245 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નાણાકીય વર્ષ 2021માં ખોટ રૂ. 4,564 કરોડ હતી. એટલે કે કંપનીની ખોટ લગભગ બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક રૂ. 5,298 કરોડ હતી. 2021માં આવક રૂ. 2,428 કરોડ હતી. એટલે કે આવકમાં 118%નો ઉછાળો આવ્યો છે.દરમિયાન, Byju’sની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નએ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે તેનો ઓડિટેડ નાણાકીય અહેવાલ દાખલ કર્યો છે. રવિન્દ્રન અને તેમનો પરિવાર કંપનીમાં લગભગ 26% હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો: OMG, 300% નું ઇન્ક્રીમેન્ટ? જાણો કઈ કંપનીએ પોતાના કર્મચારીને આપ્યો આટલો વધારો

Back to top button