પંચમહાલ પોલીસે બાતમીના આધારે 19 બાઈકની ઉઠાંતરી કરનારને ઝડપ્યો
- પંચમહાલ અને વડોદરા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરતો હતો આરોપી સામંતસિંહ રાઠોડ
ગોધરા, 23 ફેબ્રુઆરી: શહેરા પોલીસે પંચમહાલ જિલ્લા તેમજ વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી બાઈકોની ઉઠાંતરી કરનાર આરોપી સામંતસિંહ રાઠોડને 19 જેટલી બાઈકો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધીત બનેલ ગુનાઓને ડિટેક્ટ કરવા માટે શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.રાજપુતે કવાયત હાથધરી હતી જે અંતર્ગત શહેરા પોલીસે ખાનગી બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી હ્યુમન સોર્સિસના માધ્યમનો વધુ ઉપયોગ કરી મિલ્કત સંબંધિત ગુનાઓ ઉકેલવાની તજવીજ હાથધરી હતી.
બાતમીના આધારે પોલીસે બાઈક ચોર ઝડપ્યો
શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.રાજપુતને ખાનગી રાહે અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે શહેરા તાલુકાના શેખપુર ગામના મુવાડી ફળિયામાં રહેતા સામંતસિંહ જુવાનસિંહ રાઠોડનાઓની પાસે એક શંકાસ્પદ બાઇક છે જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.રાજપૂતે શહેરા પોલીસ મથકની સર્વેલન્સની ટીમના કર્મચારીઓને સાથે રાખી શહેરા તાલુકાના ભોટવા ગ્રામ પંચાયત પાસેથી બાતમીવાળા શેખપૂર ગામના સામંતસિંહ જુવાનસિંહ રાઠોડને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપી પાસેથી 19 બાઈક કબજે કરી
પકડાયેલા આરોપીની સધન પૂછપરછ કરતા તેણે આ બાઈક સહિત અલગ અલગ જગ્યાએથી અન્ય બાઈકોની પણ ચોરી કરી હોવાનું કબૂલતા કરતા પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીની અલગ અલગ મોડલની 19 બાઈક જેની કિંમત 3,35,000/- રૂ નો.મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જેમાં શહેરા પોલીસે પંચમહાલ જિલ્લાના ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ મથક અને વડોદરા જિલ્લાના કારેલીબાગ અને હરણી પોલીસ મથકમાં નોંધાયેલા વિવિધ બાઈક ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરી ચોરીની 19 જેટલી બાઈકો સાથે આરોપી સામંતસિંહ જુવાનસિંહ રાઠોડને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો: ગુજરાતના વડોદરા, સુરત બાદ ભાવનગરમાં IASના નામે ફેક મેસેજ