ભ્રષ્ટાચાર અને સરકારની ખોટી નીતિઓથી પ્રભાવિત શ્રીલંકાની આગળ મોટા પડકારો છે. ત્યારે આર્થિક અને રાજકીય સંકટમાં પોતાનો દેશ છોડીને ભાગી ગયેલા ગોટાબાયા રાજપક્ષે હાલ સિંગાપોરમાં છે. જો કે આ દરમિયાન સૌ કોઈ સામે એક જ પ્રશ્ન છે કે ગોટાબાયાને આખરે આશ્રય આપશે કોણ? કારણ કે શ્રીલંકાના લોકો 30 દિવસથી ઓછા સમય માટે વિઝા વિના સિંગાપુર યાત્રા કરી શકે છે. એટલા માટે ગોટાબાયાની સિંગાપોર મુલાકાતને અંગત ગણાવી છે.
ગોટાબાયા માલદીવથી સિંગાપોર પહોંચ્યા
ગોટાબાયા રાજપક્ષે 14 જુલાઈની સાંજે સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યા હતા. જો કે સિંગાપોરના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે આ તેમની અંગત મુલાકાત છે. ના તો તેમણે શરણ માગી છે કે ના અમે આપી છે. અગાઉ ગોટાબાયા બુધવાર (13 જુલાઈ)ની વહેલી સવારે કોલંબોથી માલદીવ્સ તેની પત્ની અને બે અંગરક્ષકો સાથે ખાનગી વિમાનમાં પહોંચ્યા હતા. સિંગાપોર પહોંચ્યા બાદ તેમણે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા સંસદના અધ્યક્ષને મોકલી આપ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
રાજપક્ષે 1948માં આઝાદી પછીના ઇતિહાસમાં શ્રીલંકાના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારોમાંથી એક હતું. જો કે, ગોટાબાયા તેમના મોટા ભાઈ મહિન્દા (જેમણે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે લગભગ 20 વર્ષ સુધી શ્રીલંકાના રાજકારણ પર પ્રભુત્વ જમાવ્યું હતું)થી વિપરીત રાજકારણમાં પ્રવેશવા તૈયાર ન હતા. તેઓ 21 વર્ષની ઉંમરે સેનામાં જોડાયા હતા અને બે દાયકા સુધી સેવા આપી હતી. તે લેફ્ટનન્ટ-કર્નલના હોદ્દા પર રહ્યા હતા અને નિવૃત્તિ પછી તેઓ અમેરિકા ગયા, જ્યાં તેમણે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં કામ કર્યું હતું.
સેનાને બળના ઉપયોગમાંથી મુક્તિ
શ્રીલંકાના સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદાકીય રીતે પોતાના બળનો ઉપયોગ કરી શકે છે. જો મામલો પલ્બિક પ્રોપર્ટી અથવા માનવ જીવનની સુરક્ષા સાથે સંબંધિત હોય તો સશસ્ત્ર દળોને બળનો ઉપયોગ કરવાનો કાનૂની અધિકાર છે. તમને જણાવી દઈએ કે સેનાએ જાહેર કર્યું છે કે જો જરૂર પડે તો સશસ્ત્ર દળો ઘાતક બળનો ઉપયોગ કરી શકે છે. જો કે, હજુ સુધી સેનાના પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે કોઈ ગંભીર અથડામણ થઈ નથી.
તેઓ હવે દેશ છોડી શકતા નથી
ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે, ભૂતપૂર્વ નાણાં પ્રધાન બાસિલ રાજપક્ષે અને ભૂતપૂર્વ નાણાં સચિવ એસઆર એટિગલીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી મૂળભૂત અધિકારોની અરજીની સુનાવણી ન થાય ત્યાં સુધી તેઓ દેશ છોડશે નહીં. સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અજિત નિવર્દ કાબ્રાલે પણ આ જ વાત કહી હતી. આ અરજી સિલોન ચેમ્બર ઓફ કોમર્સ (CCC) ના ભૂતપૂર્વ પ્રમુખ ચંદ્ર જયરત્ને દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટને વર્તમાન આર્થિક સંકટ માટે જવાબદાર લોકોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
જાણો છેલ્લા 4 મહિનામાં શ્રીલંકામાં ક્યારે શું થયું?
31 માર્ચ, 2022: શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બનતાં પ્રદર્શનનો સિલસિલો
એપ્રિલ 1: રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશવ્યાપી કટોકટી જાહેર કરી
3 એપ્રિલ: કેબિનેટનું વિસર્જન થયું, પરંતુ પીએમ મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો
9 એપ્રિલ: PM કાર્યાલયની બહાર જોરદાર વિરોધ
9 મે: હિંસા ફાટી નીકળ્યા બાદ પીએમ મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપવું પડ્યું
જુલાઈ 9: વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો, પીએમ રાનિલ વિક્રમસિંઘે રાજીનામું જાહેર કર્યું
10 જુલાઈ: રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવનમાંથી ભાગી ગયા
11 જુલાઈ: સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ જણાવ્યું કે દેશમાં 20 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. જોકે ત્યાં સુધી એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશમાં જ હાજર છે.
જુલાઈ 13: શ્રીલંકાથી ભાગીને રાજપક્ષે માલદીવ પહોંચ્યા. ગોટાબાયા પોતાની પત્ની અને બે અંગરક્ષકો સાથે ખાનગી વિમાનમાં માલદીવ પહોંચ્યા હતા.
જુલાઈ 14: ગોટાબાયા માલદીવથી સિંગાપોર પહોંચ્યા અને અહીંથી ઈમેલ દ્વારા રાજીનામું મોકલ્યું.