ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

BRS ધારાસભ્ય લસ્યા નંદિતાએ કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો, બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ

  • સિકંદરાબાદ કેન્ટ સીટથી ધારાસભ્ય લસ્યા નંદિતા પોતાની કારમાં કરી રહ્યા હતા મુસાફરી

સિકંદરબાદ, 23 ફેબ્રુઆરી: તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિના (BRS) ધારાસભ્ય લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. ધારાસભ્ય લસ્યા નંદિતા પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમની કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. તેઓ સિકંદરાબાદ કેન્ટ સીટથી ધારાસભ્ય છે, આ અકસ્માતમાં તેનો કાર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, સંગારેડ્ડીના અમીનપુર મંડલના કાર્યક્ષેત્ર હેઠળના સુલતાનપુર આઉટર રિંગ રોડ (ORR) પર BRS ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મારુતિ સુઝુકી કારે કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં BRS ધારાસભ્ય લસ્યા નંદિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની જે તસવીરો બહાર આવી છે તે દર્શાવે છે કે લસ્યાની કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. ધારાસભ્ય લસ્યા નંદિતા માત્ર 36 વર્ષની હતી. તે સિકંદરાબાદ કેન્ટ સીટથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નંદિતા જી. સાયન્નાની પુત્રી હતી.

ફેબ્રુઆરી 2023માં પિતાનું થયું હતું અવસાન

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લસ્યા નંદિતાના પિતાનું નિધન થયું હતું. આ પછી, તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં BRSએ સિકંદરાબાદથી લસ્યા નંદિતાને મેદાનમાં ઉતાર્યા અને તે જીતી ગઈ. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં નંદિતાએ ભાજપના ઉમેદવારને 17 હજાર મતોથી હરાવીને જીત મેળવી હતી.

 

થોડા દિવસ પહેલા પણ એક અકસ્માત થયો હતો

આશ્ચયજનક વાત તો એ છે કે, આના થોડા દિવસ પહેલા જ BRS ધારાસભ્ય નંદિતાને વધુ એક અકસ્માત નડ્યો હતો. આ મહિને 13 ફેબ્રુઆરીએ તેમની કારને નરકેટપલ્લીમાં અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં તેણીનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં નંદિતાને સામાન્ય ઈજા થઈ હતી. તે 10 દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની જાહેર સભામાં ભાગ લેવા માટે નાલગોંડા જઈ રહી હતી. આ સમય દરમિયાન તેમની કારને નલગોંડા જિલ્લાના નરકેટપલ્લીમાં અકસ્માત નડ્યો હતો, જેમાં તેમના હોમગાર્ડનું મૃત્યુ થયું હતું.

આ પણ જુઓ: મહારાષ્ટ્રના પૂર્વ CM મનોહર જોશીનું નિધન, 86 વર્ષની વયે લીધી વિદાય

Back to top button