પ્રખ્યાત કથાકાર જયા કિશોરી સાથે થયું ગેરવર્તન, જાનથી મારી નાખવાની મળી ધમકી
લખનૌ, 22 ફેબ્રુઆરી : દેશની પ્રખ્યાત કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીનો પીછો કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક હોટેલીયરની ધરપકડ કરવામાં આવી છે. લખનૌની હઝરતગંજ પોલીસે આ કાર્યવાહી કરી છે. જયા કિશોરી લખનૌમાં મહિલા અને બાળ સુરક્ષા સંગઠન (1090)ના કાર્યક્રમમાં મહિલાઓને ટિપ્સ આપવા આવ્યાં હતાં, ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી. જયા કિશોરીના ભાઈ દીપક ઓઝાની ફરિયાદ પર હઝરતગંજ પોલીસે કેસ નોંધીને આરોપી દીપેશ ઠાકુરદાસ થવાણીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આરોપી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને તે જયા કિશોરીને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.
ઘણા દિવસોથી કરતો હતો ફોલો
જયા કિશોરી મહિલા હેલ્પ લાઈન નંબર 1090ના કાર્યક્રમમાં ભાગ લેવા મંગળવારે લખનૌમાં સુગરકેન ઈન્સ્ટિટ્યૂટના ઓડિટોરિયમ પહોંચ્યાં હતાં. ત્યારબાદ હોટેલીયર દીપેશ ઠાકુરદાસ થવાણી કાર્યક્રમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો અને સ્ટેજ પર ચઢી ગયો હતો. તેમજ, તેણે જયા કિશોરી પર યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એક માહિતી અનુસાર, આરોપી છેલ્લા ઘણા દિવસોથી જયા કિશોરીને ફોલો કરતો હતો.
આરોપી આ પહેલા પણ મંચ પર પહોંચી ગયો હતો
આરોપી દીપેશ સોશિયલ મીડિયા દ્વારા જયા કિશોરીના કાર્યક્રમોની માહિતી મેળવે છે અને ત્યારબાદ તે સ્થળ પર પહોંચી જાય છે. આ પહેલા તે હૈદરાબાદ, જયપુર અને જલંધરમાં પણ સ્ટેજ પર પહોંચી ગયો હતો. તેની સામે આ બધા શહેરોમાં પણ કેસ નોંધાયેલા છે.
આરોપીનો પરિવાર વિદેશમાં
મળતી માહિતી આનુસાર, આરોપી દીપેશ શિરડી મહારાષ્ટ્રનો રહેવાસી છે. શિરડીમાં તેની મોટી હોટેલ છે. તેમના પરિવારના સભ્યો પશ્ચિમ આફ્રિકાના ઘાનામાં બિઝનેસ કરે છે. આરોપી વિદેશમાં આવતો-જતો રહે છે.
આ પણ વાંચો : રાજકોટ: 26મીએ વડાપ્રધાન 12 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનો કરશે શિલાન્યાસ