ખેડા જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુંભ 2.0 યોજાયો, 400 ખેલાડીઓએ લીધો ભાગ
ખેડા, 22 ફેબ્રુઆરી: ખેડા જિલ્લામાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદના સહયોગથી ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ડ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદ દ્વારા આયોજીત અસ્થિ વિષયક દિવ્યાંગોનો સ્પે..ખેલ મહાકુંભ 2.0 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા જુદી જુદી 9 રમતોમાં ભાગ લીધો હતો.
ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ડ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદના પ્રમુખ રાકેશ ચાવડાએ સૌ દિવ્યાંગ ખેલાડીઓને આવકાર્યા તેમજ રમતને લગતી કેટલીક બાબતો વિશે દિવ્યાંગ ખેલાડીઓને માહિતગાર કર્યા હતા. વધુમાં રાકેશ ચાવડાએ દિવ્યાંગ ખેલાડીઓના જુસ્સાને સલામ કરતા જણાવ્યું કે, ખેલ મહાકુંભનુ સ્તર આજે ગુજરાતમાં વધતુ જાય છે. ખેલ મહાકુંભમાં જે ખેલાડીઓ ભાગ લે છે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિધ્ધીઓ પણ પ્રાપ્ત કરે છે. ખેડા જિલ્લામા 5 વર્ષમાં 6 ખેલાડીઓએ ખેલ મહાકુંભ થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં પોતાનુ જુસ્સો બતાવી આગવી સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત સરકારનો આભાર વ્યકત કરતા ચાવડા જણાવે છે કે, ‘આજે આ મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ ઉપસ્થિત છે અને પોતાની રમત દ્વારા સફળ થઇને દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કરવા તેઓ પાયાથી પોતાની રમતમાં પરિશ્રમ કરી રહ્યા છે.’
જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉત્તમ કક્ષાની સુવિધા તમામ ખેલાડીઓને પુરી પાડવામાં આવી રહી છે. દિવ્યાંગ ખેલાડીઓ અને તેમના સાથે આવેલા વાલીઓ તથા તેમના કોચને પણ કોઇ પણ હાલાકી ન રહે તે માટેની સુચારુ વ્યવસ્થા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઊભી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સ્પે..ખેલ મહાકુંભ 2.0 સ્પર્ધા તા. ૨૧ ફેબ્રુઆરી થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી બે દિવસીય આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામા આવ્યુ છે. જેમાં ખેડા જિલ્લા માંથી અંદાજીત ૪૦૦ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ૧૦૦.મી દોડ, ટ્રાયસિકલ રેસ, લાંબી કુદ, ઉંચી કુદ, ચક્ર ફેક, ગોળા ફેક, ભાલા ફેક, વોલીબોલ, વ્હીલચેર હર્ડલમાં ભાગ લીધો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી, ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ડ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદના પ્રમુખ અને ઉપપ્રમુખ, તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર