EPFOએ ડિસેમ્બર 2023માં કુલ 15.62 લાખ સભ્યો ઉમેર્યા, 11.97 ટકાનો નોંધાયો વધારો
- 8.41 લાખ નવા સભ્યોમાંથી લગભગ 2.09 લાખ મહિલાઓ, જે નવેમ્બર 2023 કરતા 7.57 ટકા વધુ
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: શ્રમ મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા પેરોલ ડેટા અનુસાર, ડિસેમ્બર 2023માં 15.62 લાખ નવા સભ્યો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં જોડાયા હતા. મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડિસેમ્બર 2023 દરમિયાન નેટ(ચોખ્ખો\શુદ્ધ) સભ્યોની સંખ્યામાં એક મહિના અગાઉની સરખામણીમાં 11.97 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. પેરોલ ડેટાના લિંગ મુજબના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, 8.41 લાખ નવા સભ્યોમાંથી લગભગ 2.09 લાખ મહિલા સભ્યો છે, જે નવેમ્બર 2023 કરતા 7.57 ટકા વધુ છે.
દેશમાં રોજગારીની તકોમાં વધારો થયો?
(EPFO)ના કામચલાઉ પેરોલ ડેટા અનુસાર, ડિસેમ્બર 2022ની સરખામણીમાં ડિસેમ્બર 2023માં 15.62 લાખ સભ્યોનો ચોખ્ખો વધારો થયો હતો, જે 4.62 ટકા વધુ છે. EPFO સભ્યોમાં વધારો રોજગારીની તકો, કર્મચારીઓના લાભો વિશે વધેલી જાગૃતિ અને EPFOના આઉટરીચ કાર્યક્રમોની અસરકારકતાને આભારી છે. ડેટા દર્શાવે છે કે, ડિસેમ્બર 2023માં EPFOમાં લગભગ 8.41 લાખ નવા સભ્યો નોંધાયા હતા, જે નવેમ્બર 2023ની સરખામણીમાં 14.21 ટકા વધુ છે. ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે, નવા સભ્યોમાં 18થી 25 વર્ષની ઉંમરના લોકોનું વર્ચસ્વ છે. તેમની ટકાવારી ડિસેમ્બરમાં ઉમેરાયેલા કુલ નવા સભ્યોના 57.18 ટકા છે. પેરોલ ડેટા દર્શાવે છે કે, લગભગ 12.02 લાખ સભ્યો EPFOમાંથી બહાર નીકળી ગયા હતા અને બાદમાં ફરીથી EPFOમાં જોડાયા હતા.
પેરોલ ડેટાના લિંગ મુજબના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, 8.41 લાખ નવા સભ્યોમાંથી લગભગ 2.09 લાખ મહિલા સભ્યો છે, જે નવેમ્બર 2023ની સરખામણીમાં 7.57 ટકા વધુ છે. વધુમાં, ડિસેમ્બર મહિનામાં નેટ મહિલા સભ્યોની સંખ્યા લગભગ 2.90 લાખ હતી, જે પાછલા મહિનાની સરખામણીમાં લગભગ 3.54 ટકાનો વધારે છે.
ગુજરાત સહિત પાંચ રાજ્યો નોકરી આપવાના મામલે ટોચના સ્થાને!
EPFO ડેટાનું રાજ્યવાર વિશ્લેષણ દર્શાવે છે કે, નવા સભ્યોની સંખ્યામાં સૌથી વધુ વધારો પાંચ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને હરિયાણામાં થયો છે. ડિસેમ્બર 2023માં આ રાજ્યોમાંથી EPFOમાં લગભગ 9.11 લાખ સભ્યો ઉમેરવામાં આવ્યા હતા, જે કુલ ઉમેરાયેલા સભ્યોના લગભગ 58 ટકા છે. EPFOના કુલ સભ્યોમાં મહારાષ્ટ્રનો હિસ્સો લગભગ 21.63% હતો. EPFOએ એપ્રિલ 2018થી પેરોલ ડેટા જાહેર કરવાનું શરૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન સપ્ટેમ્બર 2017 પછીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.’
આ પણ જુઓ: NEET MDS પરીક્ષા નિર્ધારિત સમય પર લેવાશે, સુપ્રીમ કોર્ટે તારીખ લંબાવવાનો ઇનકાર કર્યો