અમદાવાદગુજરાત

અમદાવાદમાં બિલ્ડરની કોઠાસૂઝ કામ કરી ગઈ, અપહરણ કરવા આવેલા 3 શખ્સો પકડાયા

અમદાવાદ, 21 ફેબ્રુઆરી 2024, છેલ્લા ચાર મહિનામાં બે વખત અપહરણ અથવા તો લૂંટ કરવાના ઇરાદે જામનગરના ત્રણ શખ્સો બિલ્ડર પાસે આમંત્રણ આપવાના બહાને આવ્યા હતા. પરંતુ બિલ્ડરની કોઠાસૂઝને કારણે આજે ત્રણેય શખ્સો જેલ ભેગા થયાં છે.સોલા પોલીસે ઘટના સ્થળે જઈને ત્રણેય શખ્યોની ધરપકડ કરી હતી. ત્રણેય શખ્સો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે કે નહી તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

બિલ્ડરે ત્રણેય શખ્સોને ઓફિસમાં બેસાડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને બિલ્ડરે સોલા પોલીસ સ્ટેશનમાં મિલન ભોગાઇતા, પ્રદિપ આરમ્ભડીયા, મહેશ ત્રિવેદી વિરૂદ્ધ ધમકીની ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરની સાયન્સ સીટી ખાતે ફ્લેટની સ્કીમ ચાલી રહી છે. તેમના સહિત અન્ય બે જણા ભાગીદાર છે. ગઇકાલે બિલ્ડર તેમની સાઇટ પર હાજર હતા ત્યારે એક નંબર પ્લેટ વગરની કારમાં ત્રણ શખ્સો આવ્યા હતા. ત્રણેય શખ્સોએ કહ્યુ હતું કે પ્રવિણભાઇને અમારે આમંત્રણ આપવુ હોવાથી મળવું છે. બિલ્ડરે ત્રણેય શખ્સોને ઓફિસમાં બેસાડ્યા હતા અને વાતચીત ચાલુ કરી હતી.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
બિલ્ડરે ત્રણેયને પુછ્યુ કે પ્રવિણભાઇને કેવી રીતે ઓળખો છો તો તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. બિલ્ડરે ગાળો આપવાની ના પાડી હતી અને તમે પહેલા પણ અહી આવી ચૂક્યા છો તેમ પુછતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા. ત્રણેય શખ્સોએ બિલ્ડરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બિલ્ડરે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. જેથી સોલા પોલીસની ટીમ સાઇટ પર પહોચી ગઇ હતી. પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી અને બિલ્ડરની ફરિયાદના આધારે ધમકીનો ગુનો દાખલ કર્યો છે. ત્રણેય શખ્સો નંબર પ્લેટ વગરની કાર લઇને ક્યા ઇરાદે આવ્યા હતા તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સ્ટાફ હોવાના કારણે શખ્સોને ભાગવાનો મોકો મળ્યો નહી
બિલ્ડરે પોલીસને જણાવ્યા પ્રમાણે ત્રણેય શખ્સો અપહરણ અથવા તો લૂંટ કરવાના ઇરાદે આવ્યા હોય તેવુ લાગી રહ્યુ હતું. આ ત્રણેય શખ્સો ગઇકાલે આવ્યા હતા અને મારી ઓફિસમાં ગાળો બોલાની શરૂ કરી દીધી હતી. જેથી બિલ્ડરે તાત્કાલીક તેમના ડ્રાઇવર, કર્મચારીઓને એલર્ટ કરી દીધા હતા અને ત્રણેયને બેસાડીને ઓફિસ બંધ કરી દીધી હતી. બિલ્ડરે તેમની સામે પોલીસને ફોન કરી દીધો હતો પરંતુ સ્ટાફ હોવાના કારણે તેમણે ભાગવાનો મોકો મળ્યો નહી અને તે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતાં.સ્કોર્પિયો કારમાં નંબર પ્લેટ નથી અને તેના તમામ કાચ બ્લેક ફીલ્મ લગાવેલી છે. કારના ડેસબોર્ડ પર એક બીજેપીની પ્લેટ પણ લાગેલી છે.

આ પણ વાંચોઃવલસાડ પાસે જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર પલટતાં આગ લાગી, નેશનલ હાઈવે-48 બંધ કરાયો

Back to top button