પ્રસાદ ખાધા બાદ 300ની તબિયત લથડી, રસ્તા પર સુવડાવીને દર્દીની થઈ સારવાર
મુંબઈ (મહારાષ્ટ્ર), 21 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રના બુલઢાણામાં 300થી વધુ લોકોને ફૂડ પૉઇઝનિંગનો શિકાર બન્યા છે. તમામની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે, હોસ્પિટલથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. દર્દીઓને હોસ્પિટલની બહાર રસ્તા સુવડાવીને દોરડાની મદદથી હવામાં લટકાવેલી ગ્લુકોઝની બોટલ વડે સારવાર અપાઈ છે. તબીબી વ્યવસ્થાની દુર્દશના દ્રશ્યો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ લોકો ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ ખાધાં બાદ બીમાર પડ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલા છે.
પ્રસાદ ખાધા બાદ ભક્તોની તબિયત લથડી
બુલઢાણા જિલ્લાના સોમઠાના ગામના મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં છઠ્ઠા દિવસે રાતે 10 વાગ્યે પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. પ્રસાદ ખાધાં બાદ ભક્તોના પેટમાં દુ:ખાવો ઉપાડ્યો. એક પછી એક તબિયત લથડતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર મામલની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતોને ગ્રામીણ હોસ્પિટલ પહોંચાડ્યા. દર્દીઓની સંખ્યા એટલી બધી હતી કે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા. સ્થિતિ એટલી ખરાબ બની કે, જેને જ્યાં જગ્યા મળી ત્યાં સારવાર શરૂ કરાવી.
યોગ્ય સુવિધા ન મળતા દર્દીઓના પરિજનો રોષે ભરાયા
દર્દીઓના સંબંધીઓનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં સારવાર માટે ન તો યોગ્ય વ્યવસ્થા છે, ન તો ડૉક્ટર્સ ઉપલબ્ધ છે. સુવિધા ન મળતા પરિજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોના કહેવા પ્રમાણે 300થી વધુ લોકોની તબિયત બગડી છે. કેટલાક દર્દીઓને મેહકર અને લોણારના સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 30 દર્દીઓની હાલત અત્યંત ગંભીર છે. બીજી તરફ, જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને તેમાંથી મોટાભાગનાને રજા અપાઈ છે. મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી સાધનો સાથે ડૉકટર્સની ટીમ તૈનાત કરાઇ છે. તેમણે વધુમાં કહ્યું પ્રસાદના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે. જો કે, આ પરિસ્થિતિ સર્જાયા બાદ તબીબી વ્યવસ્થા અને ખાવામાં ભેળસેળને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો: રાજકોટ AIIMSની મોબાઈલ હોસ્પિટલઃ દુર્ઘટના સ્થળ પર દર્દીને મળશે તરત સારવાર