વિશ્વ માતૃભાષા દિવસઃ સફળતાનો પહેલો મંત્ર જ માતૃભાષા છે
ગુજરાત, 21 ફેબ્રુઆરી, 2024: 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ. આજે આખા ગુજરાતમાં ગાંધીનગરથી લઈને ગોધાવી સુધી બધે જ આપણી માતૃભાષા ગુજરાતીનું મહિમાગાન થઈ રહ્યું છે. થવું જ જોઇએ. વર્તમાન યુવા પેઢીને માતૃભાષાનું મહત્ત્વ સમજાવવા માટે આવી ઉજવણી જરૂરી છે.
જોકે આ ઉજવણીને તથા માતૃભાષાનું મહત્ત્વ ટકાવી રાખવા માટે જે પગલાં લેવાવાં જોઇએ તેમાં થોડુંક ખૂટે છે. જે ખૂટે છે એ શિક્ષણ અને માધ્યમોના સ્તરે ખૂટે છે.
અલબત્ત, હવે નવી શિક્ષણ નીતિનો અમલ થયા પછી લાંબાગાળે માતૃભાષાની ચિંતામાંથી મુક્ત થઈ શકાશે, પરંતુ સ્વતંત્રતા પછી અત્યાર સુધી આ બાબતે ધ્યાન અપાયું નહીં તેને કારણે આજે ખાસ કરીને ગુજરાતી વિશે ચિંતા કરવી પડે છે. વર્તમાન પેઢીના શિક્ષકોનું ગુજરાતી ભાષાનું સ્તર અત્યંત નબળું છે પરિણામે તેઓ વિદ્યાર્થીઓને પણ સાચું ગુજરાતી ભણાવી શકતા નથી. વળી બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની વિનાશકારી ઘેલછાને કારણે પણ ગુજરાતી ભાષાનું સ્તર કથળતું ગયું.
રહી વાત માધ્યમોની. ગુજરાતી માધ્યમોમાં છેલ્લા દસ વર્ષથી, ખાસ કરીને ટીવી અને ડિજિટલ માધ્યમો આવ્યાં પછી ગુજરાતી ભાષાની સ્થિતિ દયાજનક રીતે કથળી ગઈ છે. મુખ્યત્વે હિન્દી માધ્યમો ઉપર આધારિત રહેતાં ગુજરાતી ટીવી અને ડિજિટલ માધ્યમોમાં ગુજરાતી ભાષાની રીતસર ઘોર ખોદાઈ રહી છે. દુનિયા આખીની ખામીઓ ઉપર બિલોરી કાચથી નજર રાખતાં માધ્યમો પોતે શુદ્ધ માતૃભાષા બાબતે સભાન નથી એ વરવી વાસ્તવિકતા છે.
શિક્ષણ ક્ષેત્ર તેમજ માધ્યમોની ઉદાસીનતાને કારણે ગુજરાતી બાળકો નથી સાચું ગુજરાતી શીખી શકતાં, નથી સાચું હિન્દી શીખી શકતાં કે નથી સાચું અંગ્રેજી શીખી શકતાં.
View this post on Instagram
સાચી વાત એ છે કે, જ્યાં સુધી જે તે સમાજ તેની માતૃભાષા પ્રત્યે સાચા અર્થમાં જાગૃત ન હોય, માતૃભાષાની ઉપેક્ષા કરીને વર્ણસંકર ભાષાને પોતાની આધુનિકતા બતાવવા ઉપયોગ કરતો હોય એ સમાજ હંમેશાં હાસ્યાસ્પદ બને છે.
આજના આ મહત્ત્વના દિવસે એટલી જ અપેક્ષા રાખી શકાય કે સાચી ગુજરાતીને જાળવવાની અને તેને વિકસાવવાની જવાબદારી શિક્ષકોની અને માધ્યમોની છે. એ બંને હાલ તો ઊણા ઊતર્યા છે એ હકીકતનો સ્વીકાર કરીશું તો આગળ સાચો માર્ગ મળશે અને માતૃભાષા દિવસની સાચા અર્થમાં ઉજવણી કરી શકીશું.
અને હા, આ સંદર્ભમાં એક વાત ખાસ યાદ રાખવી જોઇએ કે વ્યક્તિનો સાચો વિકાસ માતૃભાષામાં અભ્યાસ દ્વારા જ થઈ શકે છે. છેલ્લા અનેક વર્ષથી દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનાં પરિણામો પરથી એ સાબિત થયું છે કે, જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે તેઓ જ ગુણવત્તાના ક્રમાંકમાં (રૅન્કમાં) ટોચ ઉપર હોય છે. દુનિયાના કોઈપણ સફળ વ્યક્તિની જીવનકથાનો અભ્યાસ કરવામાં આવે તો નિર્વિવાદપણે એ સાબિત થાય છે કે એ બધા તેમની માતૃભાષાનાં મૂળિયાં સાથે મક્કમ રીતે જોડાયેલા રહ્યા હતા અને છે. સફળતાનો પહેલો મંત્ર જ માતૃભાષા છે એ વાત આજે વિશ્વ માતૃભાષા દિવસે દરેકે યાદ રાખવી પડશે, ગાંઠે બાંધી લેવી પડશે.
આ પણ વાંચોઃ ISRO: ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિનનું માનવ રેટિંગ સફળ