માત્ર વિચારથી કમ્પ્યૂટર માઉસ ચલાવવામાં મળી સફળતા, ઈલોન મસ્કે આપ્યું અપડેટ
ન્યૂયોર્ક, 20 ફેબ્રુઆરીઃ માનવીના મગજમાં ચીપ નાખ્યા પછીનો સૌપ્રથમ સફળ રહ્યો હોવાનો ઈલોન મસ્કે દાવો કર્યો છે.
મસ્કે કહ્યું કે, જે વ્યક્તિના મગજમાં ચીપ ઈમ્પ્લાન્ટ કરવામાં આવી હતી તે હવે માત્ર વિચાર દ્વારા કમ્પ્યૂટરના માઉસનું હલનચલન કરી શકે છે.
મસ્કે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર લખ્યું કે, દર્દી સારી પ્રગતિ કરી રહ્યો છે અને લાગે છે કે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. તેનામાં કોઈ સાઈડ ઈફેક્ટ હોય એવું દેખાતું નથી. મસ્કે આ વાત એક્સ ઉપર સ્પેસ વાતચીતમાં કહી હતી. તેમણે ઉમેર્યું કે, દર્દી માત્ર વિચાર કરીને કમ્પ્યૂટર સ્ક્રીન ઉપર માઉસ ફેરવી શકે છે.
મસ્કના જણાવ્યા અનુસાર ન્યૂરાલિંક હાલ એ વિગતો મેળવવા પ્રયત્નશીલ છે કે દર્દી શક્ય તેટલી વધારે કઈ હદ સુધી માઉસનો ઉપયોગ કરી શકે છે. મસ્કની કંપનીને માનવીના મગજમાં ચીપ નાખવા માટે સપ્ટેમ્બરમાં પરવાનગી મળ્યા પછી ન્યૂરાલિંકે ગયા મહિને, અર્થાત જાન્યુઆરી 2024માં સૌપ્રથમ માનવીય પ્રયોગ કર્યો હતો અને એક વ્યક્તિના મગજમાં ચીપ નાખી હતી.
વાંચો અહીં : ઈલોન મસ્કની ન્યુરાલિંકે લગાવી માનવ મગજમાં ચિપ
ન્યૂરાલિંકના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ હેઠળ રોબોટની મદદથી બ્રેઈન-કમ્પ્યૂટરને મગજમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ ચીપ જ વ્યક્તિના વિચારો દ્વારા કામગીરી કરી રહી છે.
જોકે, ન્યૂરાલિંકના આ પ્રયોગની અનેક લોકો દ્વારા ટીકા પણ થઈ રહી છે. એક અહેવાલ અનુસાર કંપનીએ જોખમી સામગ્રીનું ટ્રાન્સપોર્ટેશન કર્યું હતું જે બદલ તેના ઉપર અમેરિકી સરકારે ગયા મહિને દંડ પણ કર્યો હતો.