અમદાવાદગુજરાત

અમદાવાદમાં વિના વરસાદે રોડ બેસી ગયો, ફતેવાડીમાં પડેલા ભૂવામાં મીની ટેમ્પો ટ્રાવેલ ફસાઈ

Text To Speech

અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2024, શહેરમાં વરસાદમાં ભૂવા પડે છે પણ વગર વરસાદે ભૂવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.શહેરના ફતેવાડી વિસ્તારમાં લબ્બેક પાર્ક- 1 સોસાયટી પાસે આજે સવારે ભૂવો પડ્યો હતો. મીની ટેમ્પો ટ્રાવેલ ગાડી પાર્ક કરી હતી ત્યાં જ ભુવો પડતાં ગાડીનું પાછળના ભાગનું ટાયર ખાડામાં ફસાઈ ગયું હતું. વાહન માલિકે ક્રેનની મદદથી ખાડામાં પડેલી ગાડી બહાર કાઢી હતી.

ગાડીનો પાછળનો ભાગ ખાડામાં પડી ગયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારે શહેરના ફતેવાડી વિસ્તારમાં આવેલ લબ્બેક પાર્ક-1 સોસાયટીની બહાર એકાએક રોડ બેસી ગયો હતો.મીની ટેમ્પો ટ્રાવેલ પાર્ક કરવામાં આવી હતી તે જ જગ્યા પર ભૂવો પડતા ગાડીનો પાછળનો ભાગ ખાડામાં પડી ગયો હતો. ભૂવો પડ્યો ત્યાં આસપાસની જગ્યામાં પણ ખાડો પડે તેવી પરિસ્થિતિ હોવાથી તાત્કાલિક ત્યાંથી વાહનો હટાવી દેવામાં આવ્યા હતા. લોકોએ ત્યાં લાકડાની આડાશ મૂકી દીધી હતી. જેનાથી કોઈ ત્યાં જાય નહીં.

ફતેવાડી વિસ્તારમાં આ પાંચમો ભૂવો પડ્યો
સ્થાનિક લોકોના કહેવા મુજબ ફતેવાડી વિસ્તારમાં આ પાંચમો ભૂવો પડ્યો છે. ચોમાસા દરમિયાન પણ આ વિસ્તારમાં ત્રણથી ચાર વખત ભૂવા પડ્યા છે. જેમાં વાહનો ગરકાવ થયા છે. આજે પણ મીની ટેમ્પો ટ્રાવેલનું પાછળનું ટાયર ભુવામાં ફસાઈ ગયું હતું. જેને ક્રેનની મદદ લઈને બહાર કાઢવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષો જૂની ગટર લાઈન હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે રૂ.100 કરોડના ખર્ચે 32 કિલોમીટર લાંબી જૂની ડ્રેનેજ લાઈનોને વિવિધ ત્રણ પદ્ધતિથી રિહેબ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃરાજકોટ AIIMSની મોબાઈલ હોસ્પિટલઃ દુર્ઘટના સ્થળ પર દર્દીને મળશે તરત સારવાર

Back to top button