એક વ્યક્તિ બંગાળને બંધક બનાવી શકે નહીં: સંદેશખલી કેસમાં મમતા સરકારને ફટકાર
- તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાં આ રીતે ભાગેડુ રહી શકે નહીં: હાઇકોર્ટ
પશ્ચિમ બંગાળ, 20 ફેબ્રુઆરી: કોલકાતા હાઈકોર્ટે સંદેશખલીની ભયાનક પરિસ્થિતિ અંગે મમતા બેનર્જી સરકારને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે મંગળવારે કહ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાં “આ રીતે ભાગેડુ રહી શકે નહીં” અને “રાજ્ય તેને સમર્થન આપવાનું ચાલુ રાખી શકે નહીં”. સંદેશખલીની મુલાકાત લેવાની પરવાનગી માટે બીજેપી નેતા સુવેન્દુ અધિકારીની અરજીની સુનાવણી કરતા, મુખ્ય ન્યાયાધીશ ટી.એસ. શિવગનમે કહ્યું કે, “કોર્ટે આ વિસ્તારની મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આરોપોની નોંધ લીધી છે. અમે ફરિયાદો જોઈ છે, વિસ્તારની મહિલાઓએ ગંભીર મુદ્દા ઉઠાવ્યા છે, કેટલીક જમીન પર અતિક્રમણ થયું છે. આ વ્યક્તિ (શેખ શાહજહાં) ભાગી જઈ ન શકે. રાજ્ય તેના આ પગલાંને સમર્થન આપી શકે નહીં.” લાઈવ લો અનુસાર, ચીફ જસ્ટિસે કહ્યું કે, “શેખ શાહજહાંને કોર્ટમાં આત્મસમર્પણ કરવું પડશે. તે કાયદાની અવગણના કરી શકે નહીં.”
રાજ્ય સરકારે શેખ શાહજહાંને સમર્થન ન આપવું જોઈએ: કોર્ટ
હાઈકોર્ટે કહ્યું કે, “જો કોઈ વ્યક્તિ ખંડણી માટે આખા વિસ્તારના લોકોને બંધક બનાવી શકે છે, તો શાસક સરકારે તેને ટેકો આપવો જોઈએ નહીં. તે માત્ર જનતાનો પ્રતિનિધિ છે. તે જનતાનું ભલું કરવા માટે બંધાયેલો છે.” ન્યાયાધીશે કહ્યું કે, “પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે શેખ શાહજહાંએ લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. તે કથિત ગુનો કર્યા પછી ફરાર છે. અમને ખબર નથી કે તેને સુરક્ષા મળી છે કે નહીં, પરંતુ તેને સુરક્ષા આપી શકાતી નથી. આનો અર્થ એ થઈ શકે કે રાજ્યની પોલીસ તેને પકડી શકતી નથી, અથવા તે તેમના અધિકારક્ષેત્રની બહાર છે.”
શેખ શાહજહાં માટે સામાન્ય લોકોને કેમ હેરાન કરવામાં આવે છે?
જ્યારે શેખ શાહજહાં ફરાર હતો ત્યારે નિષેધાત્મક આદેશો લાદવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા કોર્ટે રાજ્ય સરકારના વકીલને કહ્યું કે, “તમે માત્ર એક તંગ પરિસ્થિતિ સર્જી રહ્યા છો. તમે બિનજરૂરી રીતે સ્થાનિક લોકોને પરેશાન કરી રહ્યા છો. કોવિડની જેમ લોકો ડિપ્રેશનમાં જતા રહેશે કારણ કે તેઓ તેમના ઘરોમાં સીમિત રહેશે. લોકોને બોલવા દો… લોકો કંઈક બોલે એટલે આરોપી દોષિત નહીં બની જાય. જો તમે તેમને તાળા મારી દો, તો તે કામ નહીં કરે.” રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ટાંકીને આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશોને સ્ટે આપવાના કોર્ટના આદેશને પડકાર્યો હતો. રાજ્યના વકીલે કહ્યું કે, “તેઓ સ્થાનિક લોકો કે બંધારણીય અધિકારીઓની વિરૂદ્ધ નથી જે આ વિસ્તારની મુલાકાત લે છે, પરંતુ તેમને ડર છે કે રાજકીય નેતાઓની મુલાકાત મુશ્કેલી ઊભી કરી શકે છે.
શેખ શાહજહાં 1 મહિનાથી ફરાર છે
ભ્રષ્ટાચારના કેસમાં સંદેશખલી નજીક તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના ઘરે દરોડો પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર ટોળાએ હુમલો કર્યા બાદ શેખ શાહજહાં એક મહિનાથી ફરાર છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, સ્થાનિક રહેવાસીઓએ વરિષ્ઠ તૃણમૂલ નેતા અને તેના સહયોગીઓ પર જમીન પચાવી પાડવા અને છેડતીનો આરોપ લગાવવાનું શરૂ કર્યું છે. ભાજપે સત્તાધારી પક્ષના નેતાઓ પર સંદેશખલીમાં મહિલાઓની જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો છે. શાહજહાંના સહયોગી ઉત્તમ સરકાર અને શિબુ હજારા સહિત કુલ 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મમતાએ ભાજપ પર હિંસા ભડકાવવાનો લગાવ્યો હતો આરોપ
તૃણમૂલ કોંગ્રેસ સરકારે ભાજપ પર વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, “હિંસા ભડકાવવા માટે ભાજપના કાર્યકરોને આ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું છે કે, “પ્રાથમિક લક્ષ્ય શેખ હતા. EDએ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો અને પછી તેઓએ બધાને ત્યાંથી ભગાડી દીધા હતા તેમજ આદિવાસીઓ વિરુદ્ધ લઘુમતીઓનું યુદ્ધ ઊભું શૌર કર્યું હતું. આ કોઈ નવી વાત નથી. RSSનો ત્યાં આધાર છે. ત્યાં 7- 8 વર્ષ પહેલા પણ રમખાણો થયા હતા. આ રમખાણની સૌથી સંવેદનશીલ જગ્યાઓમાંથી એક છે.”
આ પણ જુઓ: સંદેશખલીમાં રિપોર્ટિંગ કરી રહેલા એક પત્રકારની બંગાળ પોલીસે ધરપકડ કરી, જુઓ વીડિયો