યુદ્ધની વચ્ચે વધારે પગાર સાથે ઈઝરાયેલ ગયેલા ભારતીયો ત્યાં જઈને શું કરી રહ્યા છે?
- ઈઝરાયેલમાં કામદારોની અછત સર્જાતા હજારો ભારતીય કામદારોને ઊંચા પગાર સાથે મળી રહી છે નોકરી
ઈઝરાયેલ, 20 ફેબ્રુઆરી: હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈઝરાયેલે હજારો પેલેસ્ટિનિયન કામદારો પર નિયંત્રણો લાદી દીધા છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલમાં કામદારોની અછત ઊભી થઈ હતી. જે બાદ ઈઝરાયેલે હજારો ભારતીય કામદારોની ભરતી કરી છે. ઈઝરાયેલની કંપનીઓએ ભારતીય કામદારોને ઊંચા પગાર સાથે ભરતી કરી છે.
અહીંના ટ્રેડ યુનિયનોએ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલની કંપનીઓ દ્વારા ભારતીય મજૂરોની ભરતી સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ટીકાકારોએ કહ્યું હતું કે યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ દ્વારા ભારતીય કામદારોની ભરતી જોખમોથી ભરપૂર છે. સરકારે કામદારોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપવાની જરૂર છે. જો કે, જોખમો હોવા છતાં, ભારતીય કામદારો ઈઝરાયેલમાં કામ કરવાની તકને ગરીબીમાંથી બચવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવાના માર્ગ તરીકે જુઈ નોકરી મેળવી રહ્યા છે.
ઈઝરાયેલમાં ભારતીય કામદારો શું કામ કરે છે?
અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ scmp અનુસાર, ઈઝરાયેલની કંપનીઓ 10 હજારથી વધુ લોકોને કામ માટે ઈઝરાયેલ લઈ ગઈ છે. જેમાંથી ત્રણ હજાર સુથાર, ત્રણ હજાર વેલ્ડર, બે હજાર ટાઇલ્સ લગાવનારા અને બે હજાર જેટલા પ્લાસ્ટર કરવાનું કામ કરી રહ્યા છે.
શું કહે છે ઈઝરાયેલ જઈ રહેલા યુવાનો?
હરિયાણાના પાણીપતના 37 વર્ષીય કન્સ્ટ્રક્શન વર્કર વિકાસ કહે છે, “ગયા વર્ષે નવેમ્બર સુધી હું પોલીસ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ જેવી નોકરીઓ માટે પરીક્ષા આપી હતી. પરંતુ મને નોકરી મળી નહીં. ઈઝરાયેલમાં યુદ્ધ ચાલી રહ્યું છે છતાં, બેરોજગારી અને પારિવારિક જવાબદારીઓએ મને જોખમ ઉઠાવવા અને ઈઝરાયેલમાં નોકરી લેવાની ફરજ પાડી છે.”
અન્ય એક યુવક ચંદન કુમાર (32 વર્ષ) કહે છે, “ભારતમાં રોજગારીની મર્યાદિત તકોને જોતા, મને ઈઝરાયેલમાં કામ કરવાનું વધુ સારું લાગ્યું. ભારતમાં કામ કરવાની ખૂબ જ ઓછી તકો છે. જેના કારણે આપણે નિરાશાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ.” વધુમાં તેમણે કહ્યું કે, ‘ભલે ઈઝરાયેલમાં અમારી સાથે ખબાર થાય તો પણ, ઓછામાં ઓછા અમારા પરિવારોને તેમના ખર્ચ માટે થોડી આર્થિક મદદ મળશે. ઈઝરાયેલમાં નોકરી યોગ્ય પગાર આપશે અને ત્યાં ઉજ્જવળ ભવિષ્ય પણ છે.”
જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
મે 2022માં બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી
ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેન મે 2022માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ભારત સરકારે ઈઝરાયેલ સરકારને 42 હજાર ભારતીય કામદારોને કામ પર લઈ જવાની મંજૂરી આપી હતી. રિપોર્ટ અનુસાર 42 હજારમાંથી સૌથી વધુ 34 હજાર લોકોની કન્સ્ટ્રક્શન વર્ક માટે જરૂર હતી. તે જ સમયે, આઠ હજાર નર્સોની જરૂર હતી.
પરંતુ ઑક્ટોબરમાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી, ઈઝરાયેલની બાંધકામ કંપનીઓએ કથિત રીતે સરકાર પાસેથી પેલેસ્ટિનિયન મજૂરોની જગ્યાએ 10,000 ભારતીય મજૂરોને નોકરી પર રાખવાની મંજૂરી માંગી હતી. જે બાદ ઈઝરાયેલની કંપનીઓએ હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી કામદારો લઈ ગયા હતા.
ઈઝરાયેલ પગાર વધારે આપી રહ્યું છે
ઈઝરાયેલમાં કામ માટે ભારતમાં ચલાવવામાં આવતી જાહેરાતોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કામદારોને દર મહિને $1,400 (રૂ. 1,16,383) થી $1,700 (રૂ. 1,41,323) સુધીનો પગાર ચૂકવવામાં આવશે. મીડિયા અહેવાલો અને ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 17,000 ભારતીય કામદારો હવે ઈઝરાયેલમાં રહે છે, જેમાંથી મોટાભાગના નર્સિંગ ક્ષેત્રમાં કામ કરે છે.
આ પણ વાંચો: સાઉથ કોરિયામાં તબીબી સંકટ, આ કારણે ડૉક્ટર્સના ધડાધડ રાજીનામાં પડ્યાં