સાઉથ કોરિયામાં તબીબી સંકટ, આ કારણે ડૉક્ટર્સના ધડાધડ રાજીનામાં પડ્યાં
સિઓલ (સાઉથ કોરિયા), 20 ફેબ્રુઆરી: સાઉથ કોરિયા પહેલાથી જ તેના પાડોશી દેશ ઉત્તર કોરિયાની ઉશ્કેરણીજનક કાર્યવાહીથી પરેશાન છે. ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કરીને સાઉથ કોરિયામાં ડર જાળવી રાખ્યો છે. આંતરરાષ્ટ્રીય મોરચે સંઘર્ષ કરી રહેલા સાઉથ કોરિયામાં આંતરિક વ્યવસ્થાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે. ખાસ કરીને તબીબી વ્યવસ્થાને માઠી અસર થઈ છે. કારણ કે ડૉકટર્સે ટોળામાં ધડાધડ રાજીનામું આપવાનું શરૂ કર્યું.
સાઉથ કોરિયામાં તાલીમાર્થી ડૉકટરોએ સોમવારે સરકારી નીતિના વિરોધમાં સામૂહિક રીતે રાજીનામું આપવાનું શરૂ કર્યું. જેના કારણે હોસ્પિટલોમાં સર્જરી અને અન્ય સારવારમાં વિલંબ થવાના અહેવાલો છે. તબીબી શાળાઓમાં પ્રવેશની સંખ્યામાં 2,000નો વધારો કરવાની સરકારી યોજના પર ડૉકટરોનું જૂથ અને સરકાર વચ્ચે તકરાર છે, જે આવતા વર્ષથી અમલમાં આવશે.
સાઉથ કોરિયા આ મામલે વિકસિત દેશોથી પાછળ
સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ કોરિયામાં વૃદ્ધોની વધતી સંખ્યાને જોતા વધુ ડૉક્ટરોની નિમણૂક કરવી જરૂરી છે. તેમનું કહેવું છે કે વસ્તીના હિસાબે ડૉક્ટરોની સંખ્યા નક્કી કરવામાં દેશ વિકસિત દેશોમાં પાછળ છે. પરંતુ ડૉકટરોના જૂથો કહે છે કે સરકારે તબીબી ફી વધારવા અને અન્ય સમસ્યાઓના નિવારણ માટે પહેલા ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, સોમવારે દેશની પાંચ મોટી હોસ્પિટલોમાં તાલીમાર્થી ડૉકટરોએ રાજીનામા પત્રો સબમિટ કરવાનું શરૂ કર્યું. આ ડોૉટરોના યુનિયન, ‘કોરિયા ઈન્ટર્ન રેસિડેન્ટ એસોસિએશન’એ ગયા અઠવાડિયે ઈમરજન્સી મીટિંગ દરમિયાન સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: કિમ જોંગ ઉને વહેલી સવારે દક્ષિણ કોરિયામાં ‘સર્જ્યો વિનાશ’, ઉત્તર કોરિયાએ 200 શેલ છોડ્યા