ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

SCએ ચંદીગઢ મેયરની ચૂંટણીના મતપત્રો મંગાવ્યા, રિટર્નિંગ ઓફિસરે ગુનો કબૂલ્યો

Text To Speech

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી:  ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણીના મતપત્રો મંગાવ્યા છે અને હવે સુપ્રીમ કોર્ટ જાતે બેલેટ પેપરની ચકાસણી કરશે. આ મામલામાં CJI DY ચંદ્રચુડે કહ્યું કે હૉર્સ ટ્રેડિંગ એક ગંભીર મામલો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે કબૂલ્યું છે કે તેણે મતપત્રો પર જાતે નિશાન લગાડ્યું હતું. હવે મસીહ બુધવારે કોર્ટ સમક્ષ હાજર થશે. સુપ્રીમ કોર્ટ આ મામલે મંગળવારે બપોરે 2 વાગ્યે સુનાવણી કરશે.

સુપ્રીમે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ પાસેથી મતપત્રો મંગાવ્યા

કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પાસેથી મતપત્રો માંગ્યા છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે પૂરતી સુરક્ષા સાથે મતપત્રો લાવવાનું કહ્યું છે. સાથોસાથ, મતગણતરીનો સંપૂર્ણ વીડિયો પણ મંગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો મસીહ દોષી સાબિત થશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મસીહને પૂછ્યું કે શું તેણે કેટલાક મતપત્રો પર નિશાન લગાવ્યું છે કે નહીં, તેના જવાબમાં તેણે હા કહ્યું હતું. મસીહે જણાવ્યું કે તેણે 8 મતપત્ર પર નિશાન લગાવ્યા છે. તેના પર CJIએ કહ્યું કે તમારે ત્યાં સહી કરવી જોઈતી હતી, તમને કોણે અધિકાર આપ્યો નિશાન લગાવવાનો?

ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ડેપ્યુટી કમિશનરને નવી ચૂંટણી કરાવવા માટે રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરાવવા માટે કહીશું. તેઓ કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો ન હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે હાઈકોર્ટને આ મામલાની દેખરેખ રાખવા કહેશે. આ કેસમાં CJI DY ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. અગાઉ, 5 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટો હસ્તક્ષેપ કર્યો હતો અને ચૂંટણીનો તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: ચંદીગઢમાં મોટો ઉલટફેર, SC માં સુનાવણી પૂર્વે જ નવા મેયરનું રાજીનામું

Back to top button