રાજકોટ AIIMSની મોબાઈલ હોસ્પિટલઃ દુર્ઘટના સ્થળ પર દર્દીને મળશે તરત સારવાર
રાજકોટ, 19 ફેબ્રુઆરી 2024, ગુજરાતની પ્રથમ AIIMS 1200 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ IPD સેવા પણ આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. આ માટે 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી રાજકોટ આવી 250 બેડની તૈયાર IPDનું લોકાર્પણ કરશે. તે ઉપરાંત દેશભરમાં કાર્યરત 23 AIIMS પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એઇમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે મંજૂરી આપવામાં આવી છે અને આ માટે જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન મોદી IPD વિભાગનું લોકાર્પણ કરશે
છેલ્લા બે વર્ષથી રાજકોટ AIIMSમાં OPD સેવા કાર્યરત છે અને હવે IPD સેવા પણ ટૂંક સમયમાં નજીકના દિવસોમાં શરૂ થવા જઇ રહી છે. આગામી 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી સીધા રાજકોટ આવશે અને IPD વિભાગનું લોકાર્પણ કરશે.તેઓ રાજકોટ AIIMSના વિવિધ વિભાગની મુલાકાત પણ લેશે.રાજકોટની કન્ટેનર હોસ્પિટલમાં 15 જેટલી સ્પેશિયાલિસ્ટ સારવારનો સમાવેશ કરાશે. તે ઉપરાંત તબક્કાવાર મલ્ટિસ્પેશિયાલિટી સારવાર સહિત કુલ 23 જેટલી સારવાર ઉપલબ્ધ કરાશે.
રાજકોટ AIIMSમાં હાલ આટલી સુવિધાઓ તૈયાર
રાજકોટ AIIMSમાં હાલ કુલ બે બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર છે અને બિલ્ડિંગ A ખાતે ઇમર્જન્સી અને ટ્રોમા સેન્ટર રાખવામાં આવ્યા છે. અહીંયાં પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇમર્જન્સી વિભાગ આવેલો છે જેમાં રેડ, ગ્રીન, અને યલો એમ ત્રણ ઝોન રાખવામાં આવ્યા છે. ઈમર્જન્સીમાં આવતા દર્દીઓ પૈકી સૌથી ક્રિટિકલ કન્ડિશનમાં કોઈ દર્દી આવે તો તેને રેડ ઝોનમાં સારવાર અપાશે. તેના કરતાં ઓછી ક્રિટિકલ સ્થિતિ હોય તો તેને યલો ઝોનમાં અને તેનાથી ઓછી એટલે કે કોઈ દર્દી ચાલીને સારવાર કરાવવા આવી શકે એમ હોય તો તેને ગ્રીન ઝોનમાં સારવાર આપવામાં આવશે. તેનાથી આગળ ICU રૂમ છે જેમાં કુલ 25 બેડની સુવિધા રાખવામાં આવી છે. કુલ 4 ઓપરેશન થિયેટરની સુવિધા રાજકોટ AIIMSમાં તૈયાર કરી દેવાઈ છે.
રાજકોટ AIIMSની મોબાઈલ હોસ્પિટલ કાર્યરત થશે
રાજકોટ AIIMSના ડિરેક્ટર ડો. સીડીએસ કટોચે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશભરમાં કુલ 23 AIIMS છે જે પૈકી રાજકોટ અને ભુવનેશ્વર મળી માત્ર 2 જ AIIMSમાં એક નવો પ્રયોગ દેશભરમાં પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યો છે. દેશમાં કોઈ પણ સ્થળે હોનારત કે દુર્ઘટના સર્જાય તો રાજકોટ AIIMSની મોબાઈલ હોસ્પિટલ ત્વરિત જ રાહત બચાવ માટે પહોંચી શકે તે માટે આયોજન કરવામાં આવશે. આ માટે અલગથી મોબાઈલ કન્ટેનર હોસ્પિટલના તબીબ, સ્ટાફ, મેડિકલનાં સાધનો રાખવામાં આવશે અને તેમને તાલીમ પણ આપવાની શરૂ કરી દેવામાં આવી છે.રાજકોટ AIIMSમાં મોબાઈલ કન્ટેનર હોસ્પિટલ માટે જમીનની પસંદગી પણ કરી લેવામાં આવી છે. આ મોડ્યુલ તૈયાર થયા બાદ તેનો ઉપયોગ સરળતાથી થઇ શકશે અને સફળ થશે તો આ પ્રયોગ દેશની અન્ય એઇમ્સમાં પણ કરવામાં આવશે.
આ 23 સુવિધાઓ રાજકોટ AIIMSમાં મળશે
એનેસ્થેસિયોલોજી એન્ડ પેરીઓપરેટિવ કેર
એનાટોમી
ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી
ડર્મોટોલોજી
ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ
ઓપ્થેલ્મોલોજી
ફિઝિયોલોજી
મનોચિકિત્સા
ફાર્માકોલોજી
બાયોકેમિસ્ટ્રી
કોમ્પ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસિન
જનરલ સર્જરી
જનરલ મેડિસિન
માઈક્રોબાયોલોજી
ઓટોરહિનોલેરીંગોલોજી
ટ્રાન્સફ્યુઝન મેડિસિન
પીડિયાટ્રિક
ડેન્ટીસ્ટ્રી
પેથોલોજી
રેડિયો ડાયગ્નોસિસ
રેડિયેશન ઓન્કોલોજી
પલ્મોનરી મેડિસિન
ઓર્થોપેડિક
આ પણ વાંચોઃદેશમાં સૌપ્રથમ સમુદ્રી સીમા દર્શનનો કચ્છ જીલ્લા લક્કી નાલા વિસ્તારમાં પ્રારંભ