100 વીઘામાં વાવેલા ઘઉંના પાક પર કલેક્ટરે બુલડોઝર ફેરવ્યું, જાણો કેમ ભર્યું આ પગલું
ભોપાલ (મધ્ય પ્રદેશ), 19 ફેબ્રુઆરી: મધ્યપ્રદેશના શ્યોપુરમાં સરકારી જમીન પર કબજો કરનારા જમીન માફિયાઓ સામે કલેક્ટરે કડક વલણ દાખવ્યું છે. સરકારી રેકોર્ડમાં છેતરપિંડી કરીને સરકારી શાળાના શિક્ષકની માલિકીની 100 વીઘા જમીન પર ઊભેલા ઘઉં અને સરસવના પાક પર કલેક્ટરે બુલડોઝર ફેરવી દીધું હતું. આ જમીન 50 કરોડ રૂપિયાની કહેવામાં આવી રહી છે. જેના પર શ્યોપુરમાં સરકારી જમીન પર કબજો કરનારા જમીન માફિયાઓ સામે જિલ્લા વહીવટીતંત્રે મોટી કાર્યવાહી કરી છે.
100 વીઘા ખેતર પર બુલડોઝર ચલાવ્યું
શ્યોપુર કલેક્ટર સંજય કુમારના આદેશના પગલે SDM મનોજો ગરવાલ અને મામલતદાર પ્રેમલતા પાલ રેવન્યૂ સ્ટાફ અને પોલીસ કાફલા સાથે ખેતરમાં પહોંચ્યું હતું. જ્યાં જમીન માફિયાઓ દ્વારા સરકારી જમીન પચાવી પાડતા કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. 100 વીઘા ખેતરમાં વાવેલા ઘઉં અને સરસરવના પાક પર બુલડોઝર ફરી વળ્યું હતું. તમામ પાકનો નાશ થયો હતો. આ સિવાય જિલ્લા પ્રશાસને સરકારી શિક્ષકના કબજામાંથી જમીન મુક્ત કરાવી હતી.
શું છે સમગ્ર મામલો?
વાત એમ છે કે, શ્યોપુરના કલેક્ટર સંજય કુમારને સરકારી જમીનોનું ખાનગીકરણ મુદ્દે કૌભાંડ થયાની માહિતી મળી. મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને જિલ્લામાં ભૂ-માફિયાઓએ છેતરપિંડી કરીને સરકારી જમીન પચાવી લીધી હતી. આ મામલાની જાણ થતાં કલેક્ટરે સરકારી રેકોર્ડ પર તપાસ હાથ ધરીને રિપોર્ટ તૈયાર કર્યો. રિપોર્ટના આધારે શાળાના શિક્ષક ભરત રાઠોડ અને પરિવારના નામ પર સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરીને જમીન મેળવી હતી. ભરત રાઠોડ સહિત તેની પત્ની, સસરા અને સગા-સંબંધીઓના નામ સંડોવાયોલા હોવાનું બહાર આવ્યું. આ જમીન કૌભાંડ અંગે માલૂમ પડતા તાત્કાલિક ધોરણે કલેક્ટરે માફિયાઓ સામે એક્શન લીધું. કલેકટરની કાર્યવાહીથી જમીન માફિયાઓ સહિત મહેસૂલી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના સમગ્ર અર્થતંત્ર કરતાં પણ મોટું કદ ધરાવે છે ભારતની આ એક કંપની