શિવાજીની પ્રતિમાના મુદ્દે ગોવામાં બે જૂથ વચ્ચે બબાલ, આખું ગામ છાવણીમાં ફેરવાયું
પણજી (ગોવા), 19 ફેબ્રુઆરી: ગોવાના માર્ગિયો શહેરની નજીક સ્થિત સાઓ જોસ ડી અરેલ ગામમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપનાના મુદ્દે હોબાળો મચ્યો છે. 19 ફેબ્રુઆરીના રોજ મરાઠા સમ્રાટની 394મી જન્મજયંતિ છે, જેની ઊજવણી માટે રાજ્યભરમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેટલાક લોકોએ ગામમાં શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી હતી, જેના પર અન્ય જૂથે વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ પેદા થતાં તંગદિલી સર્જાઈ હતી. ત્યારબાદ શાંતિ જાળવવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી.
બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ
એક પોલીસ અધિકારીએ કહ્યું કે રવિવારે સાઓ જોસ ડી અરેલ ગામમાં શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, જેના કારણે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસ અધિક્ષક સુનીતા સાવંતે જણાવ્યું હતું કે, સ્થિતિ નિયંત્રણમાં છે અને ગામમાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામ મૂળભૂત રીતે કેથોલિક બેઝ છે. અહીં મોટાભાગે ખ્રિસ્તીઓની વસ્તી છે. ગામના લોકો ત્યાં પ્રતિમા સ્થાપિત કરવાનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ તેમની દલીલ એવી હતી કે પ્રતિમા માટે પ્રશાસન તરફથી કોઈ કાયદાકીય પરવાનગી લેવામાં આવી નથી. આ પછી પણ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરાઈ છે.
View this post on Instagram
ગોવાના મંત્રીએ ગામની મુલાકાત લીધી
ગોવાના સમાજ કલ્યાણ મંત્રી સુભાષ ફલ દેસાઈએ રવિવારે ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પ્રતિમા ખાનગી જમીન પર સ્થાપિત કરાઈ હતી અને સ્થાનિક પંચાયત પાસેથી તમામ પરવાનગીઓ લેવામાં આવી હતી અને નાયબ કલેક્ટરને આ અંગે જણાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, ‘છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સામે કોઈને કોઈ વાંધો ન હોવો જોઈએ. કેટલાક રાજકીય દળો સ્થાનિક લોકોને પ્રતિમાની સ્થાપના સામે ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે.
ગામમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત
લોકોના વિરોધને જોતા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દક્ષિણ ગોવાના એસપી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. હાલ ગામમાં શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 19 ફેબ્રુઆરીના રોજ મહાન મરાઠા યોદ્ધા શિવાજી મહારાજની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો: BJP નેતા નિલેશ રાણેની કાર પર પથ્થરમારો, ભાજપ-ઉદ્ધવ જૂથના કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ