ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂત આંદોલન: પંજાબના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ આ તારીખ સુધી લંબાવવામાં આવ્યો

પંજાબ, 18 ફેબ્રુઆરી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર, પટિયાલા, સંગરુર અને ફતેહગઢ સાહિબ સહિત પંજાબના કેટલાક જિલ્લાઓના પસંદગીના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ(internet service) પરનો પ્રતિબંધ 24 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. અગાઉ, ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચને ધ્યાનમાં રાખીને, પંજાબના આ જિલ્લાઓમાં 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 16 ફેબ્રુઆરીએ જારી કરાયેલા આદેશ અનુસાર, પટિયાલાના શંભુ, જુલકન, પાસિયન, પટારણ, શતરાના, સમાના, ઘનૌર, દેવીગઢ અને બલભેરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત રહેશે. આ સિવાય મોહાલીના લાલરુ પોલીસ સ્ટેશન વિસ્તાર, ભટિંડાના સંગત પોલીસ સ્ટેશન વિસ્તાર, મુક્તસરના કિલિયાંવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર, માનસામાં સાર્દુલગઢ અને બોહા પોલીસ સ્ટેશન વિસ્તાર અને ખનૌરી, મૂનક, લેહરા, સુનામ અને છજલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે પંજાબના આ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે 1885ના ટેલિગ્રાફ એક્ટ હેઠળ તેની વિશેષ શક્તિઓનો ઉપયોગ કર્યો હતો. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને 15 ફેબ્રુઆરીએ ચંડીગઢમાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો અને ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક દરમિયાન પસંદગીના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

હરિયાણા સરકારે અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ અને એસએમએસ મોકલવાની સેવાઓ સ્થગિત કરી દીધી છે.

સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચા તેમની માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર પર દબાણ લાવવા ‘દિલ્હી ચલો’ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદાકીય ગેરંટી અને સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલની માંગ કરી રહ્યા છે.

પંજાબના ખેડૂતોએ મંગળવારે દિલ્હી તરફ કૂચ શરૂ કરી હતી, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેમને પંજાબની હરિયાણા સાથેની સરહદના શંભુ અને ખનૌરી સરહદે અટકાવ્યા હતા. ત્યારથી આંદોલનકારીઓ આ બે બોર્ડર પોઈન્ટ પર ઉભા છે.

Video: શાળાની ફેરવેલ પાર્ટીમાં હેલિકોપ્ટરથી પહોંચ્યો વિદ્યાર્થી, જોઈને વિધાર્થીઓ ચોંકી ગયા

ખેડૂત આંદોલન પાછળ ખાલિસ્તાનનો હાથ, સોશિયલ મીડિયા પર વાયરલ ઓડિયોમાં દાવો, તમે પણ સાંભળો

Back to top button