ગુજરાતટોપ ન્યૂઝ

હાઈવે પર ટ્રાફિક જામ વચ્ચે પોલીસ કરી રહી છે લોકોની મદદ, શહેરની બહાર જતાં પહેલાં જાણી લો

Text To Speech

દક્ષિણ અતિ ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, કાવેરી અને ઓરંગા નદી છલકાઈ છે. જેના લીધે વલસાડમાં અઠવાડિયામાં બીજી વાર પૂર આવ્યું છે, જ્યારે નવસારી શહેર અને આસપાસના ગામોને કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીના પાણીએ તબાહી મચાવી છે. હાલત એટલી ખરાબ છે કે પૂર્ણા નદીનું પાણી નવસારીના સ્ટેટ હાઈવેની સાથે સાથે મુંબઈ ગુજરાતના નેશનલ હાઈવે 8 (NH8) પર પણ ફરી વળ્યું છે.

ચીખલીની આલ્ફા હોટલ પાસે હાઈવેના રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેના લીધે અહીંથી હાઈવે બંધ કરી દેવાયો છે. પરિણામે ગુજરાત-મહારાષ્ટ્રનો સંપર્ક કપાઈ ગયો છે. ચીખલીની બંને તરફ 15થી 20 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો છે. વાપી પાસે બેરિકેટ મુકી મુંબઈ તરફના વાહનો અટકાવી દેવાયા છે, આ તરફ સુરતની પલસાણા ચોકડી અને ભાટીયા ટોલનાકા પર વાહનવ્યવહારો અટકાવાયો છે. બારડોલી તરફ વાહનો ડાયવર્ટ પણ કરાયા છે.

ભાટીયા ટોલનાકાથી વાહનોને આગળ જતા અટકાવાયા

અમદાવાદ તરફથી આવતા વાહનોને સુરત ખાતે રોકી દેવામાં આવી રહ્યાં છે, બીજી તરફ મુંબઈ તરફથી આવતા વાહનો વાલી અને સેલવાસ પાસે રોકી દેવાયા છે જેના લીધે હાઈવે પર 15 કિલોમીટરથી વધુ ટ્રાફિક જામ સર્જાયો છે. જેને પગલે સુરત શહેર પોલીસે સોશિયલ મીડિયા પર જાહેર અપીલ કરી છે કે લોકો નવસારી તરફ હાઈવે પર નહીં જાય. સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા ભાટીયા ટોલનાકા પર પોલીસ કુમક ગોઠવી દેવામાં આવી છે, જેઓ વાહનચાલકોને નવસારી તરફ નેશનલ હાઈવે પર વધતા અટકાવી રહ્યાં છે. પલસાણા ચોકડી પર પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Valsad Vapi Rain

વાપીથી રસ્તો બંધ કરવામાં આવ્યો

મુંબઈથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 પર વાપી ચાર રસ્તા બ્રિજ ઉપર બેરીકેટર મૂકી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે. વલસાડ અને ચીખલીની વચ્ચે નેશનલ હાઇવે 8 પર રોડ ઉપર ભારે પાણીનો જમાવો થતાં વાપીથી સુરત જતા રોડને બંધ કરાયો છે. વાપીના ચાર રસ્તા ઉપર આવેલ બ્રિજ ઉપર પોલીસે બેરીકેટ્સ મૂકી દીધા છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી હાઈવે અવરજવર બંધ કરાઈ છે. ત્યારે રોડની એક બાજુ વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. વાહનો થંભી ગયા છે. જેથી ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામના લીધે અનેક લોકો હાઈવે પર જ ફસાયા છે.

એકસપ્રેસ હાઈવે પર વડોદરા પર લોકોને માહિતી આપી રહ્યા છે

એક્સપ્રેસ વે અને મધ્યપ્રદેશથી આવતા વાહનોને અટકાવ્યા

વડોદરા નજીક દુમાડ ચોકડી એક્સપ્રેસ હાઇ વે ટોલ પ્લાઝા ઉપર પોલીસ દ્વારા ચાલકોને માહિતગાર કરી અન્ય માર્ગ લેવા સમજાવવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મુંબઇ જતાં વાહનોને સમજૂત કરવા માટે તુરંત વ્યવસ્થા કરવામાં આવી હતી.એક્સપ્રેસ હાઇવે ઉપર દુમાડ ચોકડી આગળના ટોલ પ્લાઝા અને આણંદ તરફથી આવતા વાહનો માટે વાંસદ ટોલ પ્લાઝા પાસે એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અન્ય સાત પોલીસ જવાનોને એક ઇન્ટરસેપ્ટર તથા વાહનો અને એનાઉન્સ સિસ્ટમ સાથે તહેનાત કરી દેવામાં આવ્યા છે. ત્યાં સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે.

Bharuch Police
ભરૂચ પોલીસ હાઈવેની વચ્ચે લોકોને આપી રહ્યા છે માહિતી

આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા જાંબુઆ બ્રિજ પાસે ચોકી ઉભી કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ, ગોધરા તરફથી વાહનોને ત્યાં સમજાવવામાં આવી રહ્યા છે તેમજ ભરૂચ પર નર્મદા બ્રીજ પર પણ લોકોને સમજાવવા માટે પોલીસને તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : NH-48 નવસારી પાસેથી બંધ, એસટીએ પણ 30 રૂટ બંધ કર્યા, દ.ગુજરાતમાં લોકોની મુશ્કેલી વધી

Back to top button