અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2024, શહેરમાં “ભિક્ષા નહિ શિક્ષા” સૂત્ર મુજબ ચાલતા સિગ્નલ સ્કૂલના બાળકોનો શહેરકક્ષાનો વાર્ષિક રમતોત્સવ 17 ફેબ્રુઆરીએ પાલડી ખાતે યોજાયો હતો. ઉદઘાટન પ્રસંગે ઓલમ્પિક જ્યોત જેવી પ્રતિક મશાલને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલજીએ માલ્યાર્પણ કરી રમતોત્સવને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. રમતોત્સવના પ્રારંભ ૩૦ મી અને ૫૦ મી દોડ, ત્રીપગી દોડ, લીંબુ ચમચી દોડ, નિશાનબાજી, દડા ફેક, દડા વીણ જેવી વ્યક્તિગત રમતો તેમજ બીજા તબકકામાં ખો-ખો, સંગીત ખુરશી, લંગડી જેવી સાંઘિક રમતોની સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
એક વિદ્યાર્થીનીએ શ્રીરામ સુધીની વંશાવલી રજૂ કરી
NEP-2020 અંતર્ગત AMC દ્વારા સ્કૂલ બોર્ડ અને સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલોપમેન્ટ અને ટેકનોલોજીયુકત શિક્ષણ અપાઇ રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં ખેલકુદની ભાવના વિકસે તે માટે સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સરાહના સાથે જાણ ચીફ જસ્ટિસ અને અન્ય મહાનુભાવોને કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમ્યાન સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભગવદ ગીતાના શ્ર્લોકો, સિગ્નલ સ્કૂલનું થીમ સોંગ રજૂ કરવામાં આવ્યું હતું. સિગ્નલ સ્કૂલની એક વિદ્યાર્થીનીએ શ્રી રામનો વંશ જેમનાથી ઓળખાય છે તેવા રાજા રઘુ થી શ્રીરામ સુધીની વંશાવલી રજૂ કરી હતી. સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોમાં આવેલ આ ગુણાત્મક પરિવર્તન જોઇ મહાનુભાવો તેમજ હાજર સૌના આંખોના ખૂણા લાગણીવશ ભીના થયા હતા.
શિક્ષણ થકી જ સારા સમાજનું નિર્માણ
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલજીએ કહ્યું હતું કે, તેઓ અયોધ્યામાં રહેતા સામાન્ય પરિવારની દિકરી છે.”શિક્ષણ એક શસ્ત્ર છે, શિક્ષણ થકી જ સારા સમાજનું નિર્માણ થાય અને તેના દ્વારા જીવનમાં ઉચ્ચ સિદ્ધિ મેળવી શકાય છે.આ વિદ્યાર્થીઓમાં ભવિષ્યના સાયન્ટિસ્ટ, ડોક્ટર, એન્જીનીયર, વકીલ, જસ્ટિસ અને ઓલમ્પિકના ખેલાડીઓ નજરે પડે છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલજીએ સિગ્નલ સ્કૂલના વાલી ચુનારા કૈલાસ જશુભાઇ અને કહાર પાયલબેન વસંતભાઇ તેમજ વાસ્પોડિયા રોશનબેન મહેશભાઇએ તેમની લોકબોલીમાં ગુજરાત સરકાર, ગુજરાત હાઇકોર્ટ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને મા-બાપ ગણાવી પોતાના છોકરાઓ માટે કરવામાં આવેલ વિશેષ પ્રયત્નો માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી તેમજ પોતાના બાળકોને ભિક્ષા માંગવાની જગ્યાએ સામાન્ય બાળકોની જેમ યુનિફોર્મમાં રમતા જોઇ ભાવવિભોર થયાનું જણાવ્યું હતું.
વિદ્યાર્થીને રમતની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
સિગ્નલ સ્કૂલના વાર્ષિક રમતોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ પૈકી સ્પર્ધકોને કુલ ૬૪ ગોલ્ડ, ૬૪ સિલ્વર અને ૧૬ બ્રોન્ઝ તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને રૂ.૨૧૦૦, રૂ.૧૫૦૦, રૂ.૧૧૦૦ રોકડ ઈનામ બેંક એકાઉન્ટમાં આપવામાં આવ્યા. સાંઘીક રમતોની વિજેતા ટીમને ટ્રોફી, દરેક સ્પર્ધકને ગોલ્ડ મેડલ અને રૂપિયા ૧૫૦૦, રનર્સઅપ ટીમના દરેક સ્પર્ધકને સિલ્વર મેડલ, રૂપિયા ૧૧૦૦ રોકડા મળી કુલ ઇનામી રાશી રૂ. ૩,૫૩,૦૦૦/- તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ગુજરાત હાઇકોર્ટ તરફથી વિજેતા દરેક વિદ્યાર્થીને રમતની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃપાટડીની પ્રાથમિક શાળામાં બાળકો ક્લાસમાં હતા અને શિક્ષકો દરવાજો લોક કરીને જતા રહ્યાં