ભારે વરસાદથી પ્રભાવિત મહુવા તાલુકાના મિયાપુર અને રામજીફળિયાની મુલાકાતે પહોંચ્યા કૃષિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ
સુરત: રાજ્યના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઈ પટેલે આજરોજ મહુવા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મહુવા તાલુકામાં આવેલાં મિયાપુર અને રામજીફળિયાનાં અસરગ્રસ્ત વિસ્તારોનું જાતનીરિક્ષણ કરી પૂરપીડિતોને 100 જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું. સાથે જ અસરગ્રસ્તોને મળી રહેલી પ્રાથમિક સુવિધાઓનો ચિતાર લીધો અને બે દિવસથી ઈલેક્ટ્રીસીટી વગર રહેતા લોકોની આપવીતી સાંભળી તત્કાલિક લાઇટની વ્યવસ્થા કરી આપવા તંત્રને તાકીદ કરી.તેમજ મિયાપુર ખાતે આવેલ આંગણવાડીની મુલાકાત લઈ તેને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા તંત્રને જણાવ્યું.
સમગ્ર રાજ્ય સહિત ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોના ઘરોમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. મહુવા તાલુકાના ઈસ્લામપુરા અને રામજી મંદિર ફળિયાના ૫૫ પરિવારોને પૂરના પાણીથી અસર થઈ. જેથી સ્થાનિક તંત્રની મદદથી પૂરપીડિતોને તાત્કાલિક ધોરણે તાલુકામાં બનાવેલ 3 શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરિત કરાયા હતા.જ્યાં તેમને તમામ પ્રાથમિક સુવિધાઓ જેવી કે સવાર સાંજનું જમવાનું, ફૂડપેકેટ્સ, કેશડોલ, આરોગ્યની સુવિધાઓ આપવામાં આવી હતી જેની નોંધ મંત્રીશ્રીએ તેમની મુલાકાત દરમ્યાન લીધી હતી.
રાજ્ય કૃષિ મંત્રીની મુલાકાત સમયે APMCનાં ચેરમેન સંદીપભાઈ દેસાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસાર, તાલુકા સંગઠન પ્રભારી જીગરભાઈ નાયક, ડીસટ્રીક બેંકના પ્રમુખ નરેશભાઇ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક,સરપંચ અનિલભાઈ પટેલ,જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યોએ પણ ત્યાં હાજર રહી પરિસ્થિતિનો ચિતાર લીધો હતો.