બનાસકાંઠા: ડીસા કોલેજમાં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાયું ન હોવાથી છાત્રોનો વિરોધ
- ABVPએ વિધાર્થીઓના પ્રશ્નને લઇ આવેદન પત્ર આપ્યું
પાલનપુર 16 ફેબ્રુઆરી 2024 : ડીસા કોલેજમાં બી.એ. સેમેસ્ટર ચારમાં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાયું ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ન થાય તેમજ ફી પરત કરવા સહિતના વિધાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઇ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર સમયમાં વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિધાર્થીઓના હિત માટે કામ કરતી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી .
ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં બી.એ ના સેમ ૪ માં ઇંગ્લિશ વિષયનું લેકચર લેવા માટે કોઇ પ્રાધ્યાપક આવતા નથી અને લેક્ચર લીધા વગર વિધાર્થીઓ ઇંગ્લિશ વિષયનું પેપર આપવાના હોઈ કોલેજ વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. જેની માહિતી મળતા જ આજે ABPV દ્વારા ડીસા કોલેજ ખાતે જઈ વિધાર્થીઓ પર થતા અન્યાયને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઈંગ્લિશ વિષયનું લેક્ચર લેવાતું ન હોવાથી આ વિષયની ફી જે લેવામાં આવી રહી છે તે વિધાર્થીઓને પરત આપવામાં આવે અને કોલેજ દ્વારા લેવાતી ઈન્ટરનલ પરીક્ષામાં વિધાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવી માંગણી વિધાર્થી પરિષદે આવેદનપત્ર આપીને કરી હતી.આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું હતું કે, જો આવનાર સમય વિધાર્થીઓની આ માંગ સંતોષવામાં નહીં આવે તો વિધાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે .
આ પણ વાંચો : ગુજરાતના 2 IPS અધિકારીઓ સહીત 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા સુપ્રીમ કોર્ટનો આદેશ