બિહારની રાજધાની પટનામાં PFIની આડમાં એક મોટા આતંકી ટ્રેનિંગ સેન્ટરનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડામાં બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના PFIના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે. આ માટે મુસ્લિમ યુવાનોને હથિયારનો ઉપયોગ કરવા, ધાર્મિક ઉન્માદ ફેલાવવા અને હિંસા ભડકાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી.
પટના પોલીસે જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સના આધારે, 11 જુલાઈના રોજ ફુલવારીશરીફ વિસ્તારના નયા ટોલા સ્થિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાંથી ઘણા શંકાસ્પદ દસ્તાવેજો અને ગુનાહિત સામગ્રી મળી આવી હતી. જેમાં PFIના મિશન-2047 સાથે સંબંધિત એક ગોપનીય દસ્તાવેજ પણ મળી આવ્યો છે. જેમાં આગામી 25 વર્ષમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના ષડયંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમાંથી એકનું નામ મોહમ્મદ જલાલુદ્દીન અને બીજાનું નામ અતહર પરવેઝ છે. જલાલુદ્દીન ઝારખંડ પોલીસમાં પોલીસ અધિકારી રહી ચુક્યા છે અને તાજેતરમાં જ નિવૃત્ત થયા છે. સાથે જ અતહર પરવેઝ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સિમીનો સક્રિય સભ્ય રહી ચૂક્યો છે. તેનો ભાઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જેલમાં ગયો છે. અતહર પોતે પણ એક કેસમાં જામીન પર બહાર છે.
આતંકવાદી સંગઠન સિમી પર પ્રતિબંધ મૂકાયા બાદ ઈન્ડિયન મુજાહિદ્દીનની રચના થઈ હતી. ૨૦૧૩માં આતંકવાદી યાસીન ભટકલની ધરપકડ સાથે ઈન્ડિયન મુજાહિદ્દીનની કમર તૂટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ડિયન મુજાહિદ્દીનના પતન પછી દેશના વિવિધ રાજયોમાં PFI અને તેની બહેન સંગઠન સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાને મજબૂત બનાવવાનું કામ થઈ રહ્યું છે. કેરળની બે અને કર્ણાટકની એક સંસ્થાને મર્જ કરીને આ સંગઠનની રચના કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનામાં થયેલી અનેક સાંપ્રદાયિક હિંસામાં PFIનું નામ સામે આવ્યું છે. તેની તપાસ ચાલુ છે. PFI પર હજુ દેશમાં પ્રતિબંધ મુકાયો નથી.