ખેડૂત આંદોલનની અસરઃ વડોદરામાં કામદારોની રેલી, સુરતમાં ખેડૂતોની અટકાયત
વડોદરા-સુરત, 16 ફેબ્રુઆરી 2024, વડોદરામાં સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાળ અને ગામડા બંધનું એલાન આપ્યું છે.શહેરના ગાંધીનગર ગૃહથી મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કામદારોએ રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપી માગણીઓને સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ સુરતમાં ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા ખાતે ખેડૂત આગેવાનો પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી લેવાઈ હતી.
ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન
દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. દેશભરનાં ગામડાઓમાં આજે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ખેડૂતો વિરોધ પ્રદર્શન સ્થળે એકત્રિત થાય તે પહેલાં જ વિરોધ કરનાર અગ્રણીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. આ મામલે સહકારી અગ્રણી દર્શન નાયકે મીડિયાને જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો માટે મજબૂત નિર્ણય લઈ રહી નથી. સ્વામીનાથન કમિશન દ્વારા જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, તેને લાગુ કરવાની માગ કરવામાં આવી રહી છે. આજે જે પ્રકારની સ્થિતિ ખેડૂતો માટે ઊભી થઈ રહી છે તે આર્થિક રીતે ખૂબ જ ખરાબ છે.
કામદારોએ લેબર કાયદાના વિરોધમાં રેલી યોજી
તેમણે વધુમાં કહ્યું હતું કે, ખેડૂતોને ટેકાના ભાવ પ્રાપ્ત થાય તેના માટે સરકારે જે પોલિસી જાહેર કરવી જોઈએ તે કરી રહી નથી. સરકારની નીતિનો વિરોધ કરવા માટે આજે એકત્રિત થઈ રહ્યા હતા તે પહેલાં જ પોલીસનો સહારો લઈને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરાના ઇનટુકના અધ્યક્ષ નરેન્દ્ર રાવતે મીડિયાને જણાવ્યું હતું કે, દેશના કામદારો અને સંયુક્ત કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે આજે જે કોઈ નાના ટ્રેડ યુનિયનો સાથે મળી જોડાયા છે અને આવેદનપત્ર આપી રહ્યા છે. જેમાં તેઓની માગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆતો કરાઇ છે. કામદારો સાથે લેબરના ચાર જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેમાં તેઓનું શોષણ થઈ રહ્યું છે. તેના વિરોધમાં આજે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે.
આ પણ વાંચોઃપ્રવાસનની જાહેરાતો અને મહોત્સવો પાછળ કેટલા ખર્ચ્યા? સરકારે આંકડો જણાવ્યો