BJPને મળ્યું પાંચ ગણું વધુ દાન, જાણો કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું?
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: દેશની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને વર્ષ 2022-23માં લગભગ 720 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ભાજપને દાનમાં મળેલી રકમ અન્ય ચાર રાષ્ટ્રીય પક્ષો – કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) દ્વારા મળેલી કુલ રકમ કરતાં પાંચ ગણી વધુ છે. એસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ આ માહિતી આપી છે. બુધવારે ADR દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, રાષ્ટ્રીય પક્ષોને નાણાકીય વર્ષ 2022-23 માટે 20 હજાર રૂપિયામાંથી વધુના 12,167 દાનમાંથી કુલ રૂ. 850.438 કરોડ મળ્યા છે.
કોંગ્રેસને લગભગ 80 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું
દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી, બહુજન સમાજ પાર્ટી (BSP) એ જાહેરાત કરી કે તેને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન મળ્યું નથી. મહત્ત્વનું છે કે, રજિસ્ટર્ડ રાજકીય પક્ષો માટે નાણાકીય વર્ષમાં તેમને મળેલા 20,000 રૂપિયાથી વધુના વ્યક્તિગત દાનને જાહેર કરવું ફરજિયાત છે. ભાજપે 7,945 દાન દ્વારા રૂ. 719.858 કરોડ અને કોંગ્રેસે 894 દાન દ્વારા રૂ. 79.924 કરોડ પ્રાપ્ત કર્યાનો રિપોર્ટ આપ્યો છે.
રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી સૌથી વધુ ભંડોળ પ્રાપ્ત થયું
કોંગ્રેસ, AAP, NPP અને CPI(M) દ્વારા સમાન સમયગાળા માટે જાહેર કરાયેલા કુલ દાન કરતાં ભાજપને પાંચ ગણું વધુ ભંડોળ પ્રાપ્ત થયું છે. ઉત્તર-પૂર્વમાં એનપીપી એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છે. ADRએ એ પણ જાહેર કર્યું કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂ. 276.202 કરોડનું દાન મળ્યું છે, ત્યારબાદ ગુજરાતમાંથી રૂ. 160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂ. 96.273 કરોડ મળ્યા છે.
રાષ્ટ્રીય પક્ષોના દાનમાં12.09%નો વધારો
નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને કુલ દાનમાં રૂ. 91.701 કરોડનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 12.09% વધુ છે. એડીઆરએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા પ્રાપ્ત દાનની રકમ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 614.626 કરોડ રૂપિયાથી 17.12% વધીને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 719.858 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જો કે, નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાર્ટીના દાનમાં 41.49%નો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કોંગ્રેસનું દાન રૂ. 95.459 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2022-23માં 16.27% ઘટીને રૂ. 79.924 કરોડ થયું છે.
આ પણ વાંચો: ‘હવે ભાજપ ઈચ્છશે કે હું પાર્ટીમાં જોડાઉં…’, TMC નેતા મહુઆ મોઇત્રાના નિવેદનથી રાજકારણ ગરમાયુ