દિલ્હી મેટ્રોમાં મુસાફરોની સંખ્યાનો નવો રેકોર્ડ બન્યો
- ખેડૂત આંદોલનને કારણે તૂટ્યો રેકોર્ડ
- 13 ફેબ્રુઆરીએ દિલ્હી મેટ્રોમાં 71.09 લાખ મુસાફરોએ મુસાફરી કરી બનાવ્યા નવો રેકોર્ડ
દિલ્હી, 14 ફેબ્રુઆરી: દિલ્હીમાં હાલ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેના કારણે રાજધાનીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોના આંદોલનને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ થઈ રહી છે, અનેક રુટને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં રહેતા લોકો સમય બચાવવા માટે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે, જેના કારણે દિલ્હી મેટ્રોના નામે એક નવો રેકોર્ડ નોંધાયો છે. હાલમાં જ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને એક ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
દિલ્હી મેટ્રોના નામે રેકોર્ડ નોંધાયો
એક આંકડો જાહેર કરતા, DMRCએ કહ્યું કે મંગળવારે એટલે કે 13 ફેબ્રુઆરીએ લગભગ 71.09 લાખ મુસાફરોએ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ સપ્ટેમ્બર 2023માં દિલ્હી મેટ્રોમાં 71.03 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે. ડીએમઆરસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરી છે.
Delhi Metro broke its highest Passenger journeys record set in September 2023 by registering an unmatched 71.09 lakh passenger journeys on Tuesday (February 13, 2024), the highest ever daily passenger journeys. pic.twitter.com/xgtuEUS0dI
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) February 14, 2024
દિલ્હી મેટ્રોને રાષ્ટ્રીય રાજધાનીની લાઈફલાઈન કહેવામાં આવે છે. તેમાં દરરોજ 50 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે. દિલ્હી મેટ્રો સમગ્ર દિલ્હી એનસીઆરને જોડે છે, જેમાં નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદનો પણ સમાવેશ થાય છે.
મેટ્રોના તમામ દરવાજા ખુલ્લા
ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી પ્રશાસને યાત્રીઓના પ્રવેશ અને બહાર નીકળવા પર નિયંત્રણ રાખવા માટે 13 ફેબ્રુઆરીએ દિલ્હી મેટ્રોના 9 સ્ટેશનોના ગેટ બંધ કરી દીધા હતા. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, ડીએમઆરસીએ માહિતી આપી છે કે દિલ્હીના તમામ મેટ્રો સ્ટેશનોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને EDનું છઠ્ઠું સમન્સ, 19 ફેબ્રુઆરીએ હાજર રહેવા આદેશ