ડાકુરાણી ફૂલન દેવીને સંડોવતા બહેમાઈ કેસમાં છેક 43 વર્ષ બાદ આવ્યો ચુકાદો
કાનપુર (ઉત્તર પ્રદેશ), 14 ફેબ્રુઆરી: કાનપુર દેહાતના પ્રખ્યાત બેહમાઈ હત્યા કેસનો 43 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. લૂંટ વિરોધી અદાલતે આરોપી શ્યામ બાબુ (80)ને દોષિત જાહેર કર્યો છે અને તેને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપી વિશ્વનાથ (55)ને પુરાવાના આધારે નિર્દોષ જાહેર કરાયો છે. મહત્ત્વનું છે કે, આ ઘટના 14 ફેબ્રુઆરી 1981ના રોજ બની હતી અને ચુકાદો 14 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે કે બરાબર 43 વર્ષ બાદ આવ્યો હતો.આ કેસમાં મુખ્ય આરોપી ફૂલન દેવી સહિત અનેક આરોપીઓ મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં કુલ 34 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
શું છે બેહમાઈ કાંડ?
14 ફેબ્રુઆરી, 1981ના રોજ કાનપુર દેહતના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના કિનારે આવેલા બેહમાઈ ગામમાં ડાકુ ફૂલન દેવીએ 20 લોકોને એક લાઈનમાં ઊભા કરીને ગોળી મારી દીધી હતી. હત્યારા બધા ઠાકુર હતા. દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ ઘટનાએ લોકો તરફ ધ્યાન ખેંચ્યું હતું. અનેક વિદેશી મીડિયાએ પણ જિલ્લામાં ધામા નાખ્યા હતા અને આ ઘટનાથી આખું ગામ અને જિલ્લો હચમચી ઉઠ્યો હતો ત્યારે આ જ ગામના રહેવાસી રાજારામ કેસ કરવા આગળ આવ્યા હતા. તેમણે ફૂલન દેવી અને મુસ્તકીમ સહિત 14ના નામ લઈને 36 ડાકુઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, પરંતુ સમગ્ર દેશને ચોંકાવી દેનારો બહેમાઈ કાંડ કાયદાકીય ગૂંચવણોમાં એટલો ફસાઈ ગયો કે 42 વર્ષમાં પણ પીડિતોને ન્યાય મળી શક્યો નહીં.
આ જ ચર્ચિત કેસમાં 28 સાક્ષીઓ સાથે મોટાભાગના ડાકુઓ મૃત્યુ પામ્યા છે. વાદી રાજારામ ન્યાય મેળવવાની આશાએ દર તારીખે કોર્ટમાં આવતા હતા અને સુનાવણી માટે જિલ્લા કોર્ટમાં જતા હતા. પરંતુ વાદી રાજારામ પણ ન્યાયની રાહમાં મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો: બિલ્કિસ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વાપરેલા શબ્દો કાઢી નાખવા ગુજરાત સરકારની અપીલ