જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાના સુચારુ સંચાલન માટે 13 સમિતિની રચના
જૂનાગઢ 14 ફેબ્રુઆરી 2024 : મહાશિવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારતા હોય છે, ત્યારે તેમને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે, વ્યવસ્થાઓ જળવાઈ અને સુચારુ આયોજન માટે કલેક્ટરે આદેશ કરી 13 જેટલી સમિતિઓની રચના કરી છે.
તા.5 માર્ચે આ સ્વયંભૂ મેળાનું પ્રારંભ થશે
ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી વિસ્તારમાં પરંપરાગત રીતે દર વર્ષે મહા વદ – 9 એટલે કે તા.5 માર્ચે આ સ્વયંભૂ મેળાનું પ્રારંભ થશે. મહાશિવરાત્રીનો મેળો આધ્યાત્મિક અને પૌરાણિક રીતે વિશેષ મહત્ત્વ ધરાવતો હોવાથી આ મેળામાં સાધુ સંતોની સાથે વિશાળ જન સમુદાય ઉમટી પડે છે. કલેક્ટરે આ સમિતિઓની રચના દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જુદી જુદી ફરજો સોંપી છે. જેથી સંકલન સાથે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી શકાય.
કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રચાયેલી મુખ્ય સંકલન સમિતિ સહિત 13માં સમિતિમાં મેળા સ્થળ આયોજન સમિતિ, જાહેર સલામતી તથા ટ્રાફિક નિયંત્રણ સમિતિ, ઈલેક્ટ્રીક લાઈટ અને સાઉન્ડ સમિતિ, આમંત્રણ સ્વાગત અને પ્રોટોકોલ સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, પાણી પુરવઠા સમિતિ, સફાઈ તથા ડ્રેનેજ સમિતિ, આરોગ્ય અને આકસ્મિક સારવાર સમિતિ, સંદેશા વ્યવહાર તથા પ્રચાર પ્રસાર સમિતિ, પ્રકાશન સમિતિ, આવશ્યક ચીજ વસ્તુ સુવિધા સમિતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મહેસાણા-વિસનગરને જોડતા આંબેડકર બ્રિજ પર ગાબડું, બંને છેડે પોલીસ બંદોબસ્ત