ભાજપે રાજ્યસભા માટે ગુજરાત – મહારાષ્ટ્રના ઉમેદવારો જાહેર કર્યા, જૂઓ યાદી
- ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી તેના ઉમેદવારોની યાદી જાહેર કરી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે તાજેતરમાં પાર્ટીમાં જોડાયેલા અશોક ચવ્હાણને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની ટિકિટ મળી છે.
ગુજરાતમાંથી નડ્ડા સહિત ચાર ઉમેદવારોના નામ
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં ગુજરાતના ચાર ઉમેદવારોના નામ છે. જેપી નડ્ડા ઉપરાંત, પાર્ટીએ ગુજરાતમાંથી ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને ડૉ. જશવંત સિંહ સલામ સિંહ પરમારને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી પાર્ટીએ અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને ડૉ. અજીત ગોપચડેને રાજ્યસભાની ટિકિટ આપી છે.
હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયાને મળી ટિકીટ
ભાજપે ગુજરાતમાંથી હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે. ગોવિંદભાઈ ધોળકિયાએ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક છે. તેમની કંપની હીરાના ક્ષેત્રમાં જાણીતું નામ છે. ગોવિંદભાઈ ધોળકિયા લાંબા સમયથી RSS સાથે જોડાયેલા છે.
ભાજપની ગુજરાત-મહારાષ્ટ્રની યાદી જાહેર
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી
રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 16 ફેબ્રુઆરીએ થશે. ઉમેદવારો 20મી ફેબ્રુઆરી સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. જરૂર પડશે તો 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી થશે.
View this post on Instagram
આ પણ વાંચો: સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભર્યું, જૂઓ વીડિયો