હાલ દુનિયામાં ભારતનું વેપાર કદ વધી રહ્યું છે. એક તરફ ચીન દ્વારા બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)ને જવાબ આપવા માટે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)કાર્યરત થઈ રહ્યો છે અને તેનાથી રશિયાથી સામાન લઈને નીકળેલી ટ્રેનનો જથ્થો ઈરાન સુધી પહોંચી ગયો છે અને ત્યાંથી દરિયાના માર્ગે ભારત આવી જશે. જે સમયે યુક્રેન સાથેના યુદ્ધના કારણે રશિયા પર પશ્ચિમિ દેશો દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા ત્યારે ભારત અને ઈરાને રશિયાની મદદ કરવા માટે INSTCનો ઉપયોગ કર્યો હતો અને તેના દ્વારા મોટી સફળતા મળી રહી છે. આ સામાનની હેરફેરની શરૂઆત શનિવારે રશિયાના સેન્ટ પીટર્સબર્ગથી ભારત માટેનો સામાનનો કેસ્પિયન સમુદ્રથી થઈ અસ્તરખાન બંદર થઈને ઈરાનના અંજલી બંદરે પહોંચ્યો હતો. ત્યાંથી તે અબ્બાસ પોર્ટ (બંદર) થઈને ભારતના પશ્ચિમ છેડે આવેલા બંદરે પહોંચશે.
સમયમાં થશે ઘટાડો
રશિયાથી મોકલવામાં આવેલ સામાનને ભારત પહોંચવામાં 25 દિવસથી ઓછો સમય લાગશે. અગાઉ ભારત અને રશિયા વચ્ચે સામાન પહોંચવામાં 40 દિવસનો સમય લાગતો હતો. ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) ની વિશેષતા એ છે કે તે રશિયા અને ભારત વચ્ચેના વેપારમાં સમય બચાવે છે, પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય પડકારો (Geo-political challenges)ની વચ્ચે તે સૌથી સરળ વિકલ્પ પણ છે. ઉપરાંત, આ માર્ગ ભારત અને રશિયા વચ્ચેના વેપારના ખર્ચમાં લગભગ 30% જેટલો ઘટાડો કરશે.
નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરની સ્થાપના 12 સપ્ટેમ્બર 2000 ના રોજ કરવામાં આવી હતી જ્યારે ભારત, રશિયા અને ઈરાને સેન્ટ પીટર્સબર્ગમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેનો હેતુ સભ્ય દેશો વચ્ચે પરિવહનને સરળ બનાવવાનો છે. આ કોરિડોર હિંદ મહાસાગર અને પર્સિયન ગલ્ફને ઈરાન થઈને કેસ્પિયન સમુદ્ર સાથે જોડે છે. ત્યાંથી કોરિડોર સેન્ટ પીટર્સબર્ગ અને રશિયન ફેડરેશનમાંથી પસાર થઈને યુરોપના ઉત્તરીય ભાગ તરફ આગળ વધે છે.
INSTC પ્રોજેક્ટમાં 13 દેશો સામેલ છે
પાંચ વર્ષ પછી 2005માં અઝરબૈજાન પણ આ કરારમાં જોડાયું. તેમાં હવે 13 દેશોનો સમાવેશ થાય છે – અઝરબૈજાન, બેલારુસ, બલ્ગેરિયા, આર્મેનિયા, ભારત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઓમાન, રશિયા, તાજિકિસ્તાન, તુર્કી અને યુક્રેન. ઉત્તર-પશ્ચિમ યુરોપ માટે રશિયન ફેડરેશન, કાકેશસ માટે પર્સિયન ગલ્ફ (પશ્ચિમ માર્ગ), મધ્ય એશિયા માટે પર્સિયન ગલ્ફ (પૂર્વીય માર્ગ), ઈરાન, કેસ્પિયન સમુદ્ર માટે પર્સિયન ગલ્ફ (મધ્ય માર્ગ) મળીને આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે.
રેલ, રોડ, બંદર – ત્રણેય માર્ગોથી વેપાર થશે
ખાસ વાત એ છેકે 7,200 કિલોમીટર આ પરિવહન નેટવર્કમાં સમુદ્ર, માર્ગ અને રેલ માર્ગો બનાવવામાં આવી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે આ સૌથી ટૂંકા અંતરનો માર્ગ છે. હવે ભારત અને ઈરાન INSTC ને ઈરાનના ચાબહાર પોર્ટ સાથે જોડવા માંગે છે જે ભારત માટે અફઘાનિસ્તાન અને ત્યાંથી મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ છે. ભારત અને રશિયા વચ્ચે આ માર્ગ દ્વારા દર વર્ષે 20 થી 30 મિલિયન ટન કાર્ગોનું પરિવહન થઈ શકે છે. હાલમાં આ રૂટ પર ભારતથી ઈરાન અને અઝરબૈજાન થઈને રશિયા સાથે વેપાર થશે. આ માર્ગ મુંબઈ, મોસ્કો, તેહરાન, બાકુ, બંદર અબ્બાસ, આસ્ટ્રખાન, અંજલી વગેરે જેવા મોટા શહેરોને જોડવાનો છે.
Assgabat કરાર પણ મદદ કરશે
અશ્ગાબાત કરાર હેઠળ (Ashgabat Agreement) પરિવહન પ્રણાલીના વિકાસમાં પણ INSTC મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત, ઓમાન, ઈરાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાને આંતરરાષ્ટ્રીય પરિવહન અને પરિવહન કોરિડોરની તૈયારી માટે અસગાબત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેનો હેતુ મધ્ય એશિયા અને પર્સિયન ગલ્ફ વચ્ચે માલની હેરફેરને સરળ બનાવવાનો છે.