ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ખેડૂતો સાથે ગુનેગારો જેવું વર્તન ન કરી શકાય’: એમએસ સ્વામીનાથનની પુત્રી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ‘ભારત રત્ન’થી સન્માનિત મહાન કૃષિ વિજ્ઞાની MS સ્વામીનાથનની પુત્રી મધુરા સ્વામીનાથને ખેડૂતોના વિરોધ પર પોલીસ બળના ઉપયોગની નિંદા કરી છે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શન પર મધુરા સ્વામીનાથને કહ્યું કે, ખેડૂત આ દેશના ‘અન્નદાતા’ છે અને તેમની સાથે ગુનેગાર જેવો વ્યવહાર ન કરવું જોઈએ. એમએસ સ્વામીનાથનને ભારત રત્ન એનાયતની ઉજવણી કરવા માટે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) ખાતે મંગળવારે એક કાર્યક્રમ યોજાયો હતો. આ જ કાર્યક્રમમાં સ્વામીનાથનની અર્થશાસ્ત્રી પુત્રી મધુરા સ્વામીનાથને આંદોલનકારી ખેડૂતોને દિલ્હી પહોંચતા રોકવાની વાતનો ઉલ્લેખ કર્યો. ત્યારબાદ તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.

‘ખેડૂતો પર આરોપીની જેમ વર્તન ન કરી શકાય’

મધુરા સ્વામીનાથને કહ્યું કે, પંજાબના ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. કેટલાક અહેવાલ અનુસાર હરિયાણામાં તેમના માટે જેલ તૈયાર કરવામાં આવી રહી છે, બેરિકેટ્સ લગાડ્યા છે, તેમને રોકવા માટે દરેક પ્રયાસ કરાઈ રહ્યા છે. આ ખેડૂતો છે, કોઈ ગુનેગાર નથી. તેમણે કહ્યું કે, હું અહીં હાજર તમામ પ્રમુખ વિજ્ઞાનીઓને વિનંતી કરું છું કે, આપણે અન્નદાતાઓ જોડે વાત કરવી જોઈએ. આપણે તેમની જોડે આરોપીની જેમ વર્તન કરી શકતા નથી. તેમની માંગણીઓનું નિરાકરણ લાવવું જોઈએ. મારું માનવું છે કે, જો આપણે એમએસ સ્વામીનાથનના વિચારને આગળ ધપાવવા અને તેમનું સન્માન કરવા માંગીએ છીએ તો આપણે ભવિષ્યમાં જે પણ રણનીતિ બને, તેમાં ખેડૂતોને સાથે લઈને ચાલવું પડશે.

એમએસ સ્વામીનાથને C2+50% ફોર્મ્યુલા સૂચવ્યું

કેન્દ્ર સરકારે ભારતની હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉ.એમ.એસ.સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. 28 સપ્ટેમ્બર 2023ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં 93 વર્ષની વયમાં આ દુનિયાને અલવિદા કહ્યું હતું.  મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લઈને ખેડૂતોની સમસ્યાઓ ઘણા સમય પહેલા જ સમજી હતી. એટલે તેમણે રિપોર્ટમાં સરકારને ખેડૂતોને તેમના પાકની કિંમતના 50% નફાની ફોર્મ્યુલા એટલે કે C2+50% ફોર્મ્યુલા સૂચવ્યું હતું. બીજી તરફ, ખેડૂતો ફરી વાર લઘુત્તમ ટેકાના ભાવ(MSP)ને લઈને કેન્દ્ર સરકાર સામે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન વચ્ચે MS સ્વામીનાથનની પુત્રી મધુરા સ્વામીનાથનું આ નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન પર મૌન તોડ્યું, સરકારને લીધી આડે હાથ

Back to top button