ઇસ્લામાબાદ (પાકિસ્તાન), 14 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં સત્તાના નવાં સમીકરણો રચાઈ રહ્યાં છે. અહેવાલો અનુસાર, શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બની શકે છે અને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ પંજાબના મુખ્યમંત્રી બની શકે છે. જો મરિયમ પંજાબની સીએમ બનશે તો તે પાકિસ્તાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હશે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ જાહેરાત કરી છે કે તે PML-N સરકારમાં સામેલ નહીં થાય. તે સરકારને બહારથી ટેકો આપશે. PPP નેતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડે એટલે કે નવાઝ શરીફ હવે એકલા હાથે સરકાર બનાવશે.
શાહબાઝ શરીફ વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)એ મંગળવારે પાર્ટીના પ્રમુખ શાહબાઝ શરીફને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા અને PML-Nના સુપ્રીમો નવાઝ શરીફે મંગળવારે આ જાહેરાત કરી છે. PML-Nના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે Instagram પર પોસ્ટ કર્યું, PML-N ચીફ નવાઝ શરીફે તેમના નાના ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને તેમની પુત્રી મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રીના દાવેદાર પદ તરીકે પંસદ કરવામાં આવ્યા છે.
મરિયમ નવાઝ પંજાબના સીએમ પદના દાવેદાર
નવાઝ અને તેમના પરિવારના ત્રણ સભ્યો તેમના ગઢ લાહોરમાં જીત મેળવવામાં સફળ રહ્યા. નવાઝની પુત્રી મરિયમ નવાઝે NA-119માંથી PTI સમર્થિત ઉમેદવાર ફારુક શહઝાદ સામે 83,000થી વધુ મતો મેળવીને જીત મેળવી હતી. મરિયમે પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ 2013ની પાકિસ્તાન ચૂંટણીમાં પીએમએલ-એનને જીત અપાવી હતી. તેઓ પંજાબ પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મરિયમને 2017માં પનામા પેપર્સ કૌભાંડમાં પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે જાહેર હોદ્દા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં તેમની સંડોવણી છે. જો કે,ત્યારબાદ તેમણે આ આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા.
બિલવાલ ભુટ્ટો પીએમપદની રેસમાંથી દૂર થયા
PML-Nના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે કહ્યું કે, નવાઝ શરીફે તમામ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો છે જેમણે PML-Nને સમર્થન આપ્યું છે, તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ નિર્ણયથી પાકિસ્તાન પોતાના મુશ્કેલ સમયથી બહાર નીકળી શકશે. બીજી તરફ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલવાલ ભુટ્ટો-જરદારીએ વડાપ્રધાન પદની રેસમાંથી ખસી જતા આ માહિતી સામે આવી છે. બિલવાલ ભુટ્ટોએ કહ્યું કે, તેમની પાર્ટી નવી સરકારનો હિસ્સો બન્યા વગર પૂર્વ પીએમ નવાઝને ટેકો આપશે.
8 ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી
પાકિસ્તાનની ત્રણ પ્રમુખ પાર્ટીઓ PML-N, PPN અને PTI વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જો કે, આમાંથી એકેય પાર્ટીએ બહુમત હાંસલ કરવામાં સફળતા ન મેળવતા જરૂરી સંખ્યામાં બેઠક જીતી શકી ન હતી. તેથી તેઓ પોતાના દમ પર સરકાર રચવામાં અસમર્થ રહ્યા હતા. નોંધનીય છે કે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને સંસદમાં સૌથી વધુ બેઠકો મળી છે અને તેના કારણે પાકિસ્તાનમાં આગામી સરકાર કોની હશે તે અંગે એક પ્રશ્ન ઊઠી રહ્યો હતો. જો કે, કહેવામાં આવી રહ્યું છે બિલવાલ ભુટ્ટોએ નવાઝ શરીફને સમર્થન આપતાં સત્તામાં PML-N પાર્ટી આવી શકે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ચૂંટણીમાં ગેરરીતિનો વિરોધ કરતા ઈમરાન ખાનના સમર્થકો ઉપર ફાયરિંગ