ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણાના 7 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ, 15 જિલ્લામાં કલમ 144 લાગુ

Text To Speech
  • ખેડૂત આંદોલનને પગલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો આદેશ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને હરિયાણામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લાના અધિકારક્ષેત્રમાં વૉઇસ કૉલ સિવાય મોબાઇલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, બલ્ક SMS અને તમામ ડોંગલ સેવાઓ વગેરે 15 ફેબ્રુઆરી સુધી સ્થગિત રાખવામાં આવી છે. આ સિવાય 22માંથી 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ખેડૂતો અહીંથી દિલ્હી જવાના છે.

 

ખેડૂતોની 2500 ટ્રેક્ટર ટ્રોલીઓ શંભુ સરહદે પહોંચી છે. જેમાંથી 800 ટ્રોલીઓમાં ખાદ્ય સામગ્રી, લાકડું અને પેટ્રોલ અને ડીઝલ રહેલું છે. ખેડૂતો છેલ્લા બે મહિનાથી ‘દિલ્હી ચલો’ કૂચની તૈયારી કરી રહ્યા છે અને છ મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત

ખેડૂતોના પ્રદર્શનનો આજે બીજો દિવસ છે. અત્યાર સુધી માત્ર પંજાબ-હરિયાણાના ખેડૂતો જ આંદોલનમાં સામેલ હતા, પરંતુ રાકેશ ટિકૈતના નિવેદન બાદ આશંકા છે કે, યુપીના ખેડૂતો પણ તેમાં જોડાઈ શકે છે. તેને જોતા ગાઝીપુર બોર્ડરને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ટીકરી બોર્ડર પર પોલીસની કડકાઈ

હરિયાણા-દિલ્હી ટિકરી બોર્ડરને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે ટિકરી બોર્ડર તરફ જતો રસ્તો એક કિલોમીટર અગાઉથી સીલ કરી દીધો છે. બોર્ડર તરફ કોઈપણ વાહનને જવા દેવામાં આવી રહ્યું નથી. ખેડૂતોને રોકવા માટે, ટિકરી બોર્ડર પર બેરિકેડિંગના અનેક સ્તરો કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ: ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચનો બીજો દિવસ, દિલ્હીની 5 સરહદો સીલ

Back to top button